નડિયાદ : નડિયાદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે પાલિકામાં અનુસુચિત જાતિના ઉમેદવાર માટે પ્રમુખપદ અનામત હોવાથી ખુદ નહીં બેસી શકનારાં પોતાના ુમેદવારને ગોઠવવા પાસા ફેંકી રહ્યાં હોવાની ચર્ચા છે. જાેકે, મોવડી મંડળ ત્રણ ઉમેદવારમાંથી કોના પર કળશ ઢોળશે, તે જાેવું રહ્યું. નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ હવે પ્રમુખપદ, ઉપપ્રમુખપદ અને કમિટી કોને ફાળે જશે, તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. પાલિકામાં આ વખતે પ્રથમ ટર્મમાં અનુસુચિત જાતિના ઉમેદવારને પ્રમુખપદ આપવાનું છે. હાલ ત્રણ નામો વચ્ચે રસાકસી ચાલી રહી છે. સૌથી મહત્વની કારોબારી સમિતિ કોણ સંભાળશે, તે મુદ્દો પણ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ઉપરાંત અન્ય મલાઇદાર કમિટી મેળવવા માટે રીતસર હોડ જામી છે. આ હોડમાં કોણ ફાવશે અને કોણ રહી જશે એ આગામી થોડાં દિવસમાં સ્પષ્ટ થઈ જશે.

કમિટીની વહેંચણીમાં પણ અઢી વર્ષ બાદ બીજા ટર્મના પ્રમુખ કોને બનાવવા તેનો હિસાબ-કિતાબ અત્યારથી જ કરવામાં આવશે તેવું સૂત્રોનું કહેવું છે. બીજી ટર્મમાં સામાન્ય ઉમેદવારને પ્રમુખપદ મળવાનું હોવાથી તેનાં માટે અત્યારથી જ થનગન ગોપાલો થનગની રહ્યાં છે. ખરેખર નટપુરમાં હોડ પહેલી ટર્મ કરતાં બીજી ટર્મ માટે વધુ જામી છે. નડિયાદમાં પ્રથમ ટર્મ અનુસુચિત જાતિ, જ્યારે બીજી ટર્મ સામાન્ય બેઠક માટે છે. તેવી જ રીતે કપડવંજમાં પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા અનામત અને બીજી ટર્મ માટે પછાત વર્ગની બેઠક છે.