નડિયાદ, તા.૧ 

અરવલ્લી જિલ્લાના આંબલીયારા પોલીસ મથકે એક વર્ષ પૂર્વે નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપીને ખેડા એલસીબીએ ઝડપી પાડ્‌યો છે. નડિયાદ તાલુકાના કણજરી ગામની ચોકડી પાસેથી પકડાયેલાં આ આરોપીને વધુ તપાસ અર્થે આંબલીયારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. ખેડા એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી. પટેલ સહિતની ટીમે જિલ્લા તેમજ જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા ખેડા જિલ્લામાં દિવસ અને રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. દરમિયાન એલસીબીની ટીમ નડિયાદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ સમયે પોલીસને એક બાતમી મળી હતી કે, અરવલ્લી જિલ્લાના આંબલીયારા પોલીસ મથકે નોંધાયેલાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી રિઝવાન હસનભાઈ વ્હોરા (રહે.ઠાસરા, જિ. ખેડા) નડિયાદ તાલુકાની કણજરી ચોકડી પાસેથી પસાર થવાનો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે કણજરી ચોકડી પાસે ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન રિઝવાન વ્હોરા ત્યાં આવી ચડતાં જ વોચમાં ગોઠવાયેલાં પોલીસે તેને કોર્ડન કરી દબોચી લીધો હતો. પકડાયેલાં આરોપીની પૂછપરછમાં આંબલીયારા પોલીસ મથકે નોંધાયેલાં ગુનામાં તે વોન્ટેડ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ આરોપીને વધુ તપાસ અર્થે આંબલીયારા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.