સુરત-

સુરતના વરાછામાં લુમ્સના કારખાનેદાર પર ફાયરીંગ કરી રૂ.1.77 લાખની લૂંટમાં 10 વર્ષથી વોન્ટેડ ઉડીયા કારીગરને સુરત શહેર એસઓજીએ પીપોદરા જીઆઈડીસીમાંથી ઝડપી લીધો છે. સુરતથી વતન ભાગીને ગયેલા કારીગર શંકરને ત્યાં કામ નહીં મળતા તમિલનાડુમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. ત્યાંથી પરત વતન જઈ ફરી ત્રણ મહિના પહેલા તે સુરત આવ્યો હતો. સુરત એસઓજીના માણસોને મળતી માહિતીને આધારે આધારે એસઓજીની ટીમે પીપોદરા જીઆઈડીસીમાં વોચ ગોઠવી શંકર દેવરાજ ગૌડાને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા આરોપી શંકર સુરતના વરાછા પોલીસ મથકમાં 10 વર્ષ અગાઉ નોંધાયેલા લૂંટ વીથ ફાયરીંગના ગુનામાં વોન્ટેડ હતો.

શંકર વર્ષ 2011 માં સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતો હતો. પોતાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેમજ દિવાળીનો તહેવાર આવતો હોય શંકરે મિત્રો સાથે મળી લૂંટની યોજના બનાવી હતી.તેને ટીપ મળી હતી કે અશ્વિનીકુમાર અંજટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નં.132 માં લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર કારીગરોને પગાર કરવા માટે પૈસા લઈ સાંજે આવવાના છે. સુરતમાં આવા કેટલાય ગુનેગારો છે કે વર્ષો પહેલા સુરતમાં કોઈને કોઈ ગંભીર ગુનાને અંજામ આપી સુરત શહેર છોડીને બહાર રહેવા લાગ્યા ત્યારે આવા લોકોને પકડવા માટે સતત સુરત SOG પોલીસ વોન્ટેડ આરોપીને પકડવા વોચમાં જાય છે ત્યારે આ 10 વર્ષ પહેલાં સુરતમાં લુમ્સનાં કારખાનામાં ફાયરિંગ કરી લૂંટ ને અંજામ આપનારને ઝડપી પાડવામાં આવ્યો છે.