વડોદરા -

ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ધરપકડ મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીરને ચપ્પલ મારવા મામલે સંત સંપ્રદાયમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. શહેરની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ પાલિકા કચેરી ખાતે સંતોએ કાળી પટ્ટી ધારણ કરી કોંગી કાર્યકરોના કૃત્ય સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કોંગી કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદની ચીમકી ઉચ્ચારી હતી. 

ઉત્તર પ્રદેશમાં બળાત્કાર પીડિતાને આશ્વાસન આપવા જઇ રહેલા રાહુલ ગાંધીની ધરપકડ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી તસવીરને ચંપલો મારવામાં આવ્યા હતા. આ બનાવને સંત સંપ્રદાયે વખોડી કાઢ્યો છે અને ભારે નારાજગી સાથે કાળી પટ્ટી ધારણ કરી આક્રોશ દર્શાવ્યો હતો.

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ડૉ .જ્યોતિરનાથ તથા દસ નામ ગોસ્વામી. ગીરી. પૂરી . ભરતી અને નાથ સંપ્રદાય દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ તે રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને જો પોલીસ કડકાઈથી પગલાં નહીં લે તો સંતો દ્વારા સંતના અપમાન બદલ ધરણા પર બેસી લડત ચલાવવામાં આવશે. એમ ઉમેર્યું હતું.