26, એપ્રીલ 2022
ગીરસોમનાથ, તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરીકા સ્થિત યુવતી સાથે ફ્રેન્ડશીપ થયા પછી વર્ચ્યુઅલી વાતચીતોમાં બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં દાંપત્ય જીવનમાં પરીણમી છે. અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્દુ વિધિ-રિવાજ મુજબ લગ્ન કરવા તાજેતરમાં અહિં આવી મહેંદી રચી લગ્ન પણ કર્યા છે.તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહિરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્થતિ યુવતી સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે.તેમણે બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્યાસ કર્યો છે. ૨૦૧૪માં લંડનથી પરત સ્વદેશ આવ્યા બાદ તેઓ અહિં જાેબ કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે. તેમણે ૨૦૧૯ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમિયાન અમેરિકા સ્થતિ એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્ટ એકસેપ્ટ થતાં તેમણે મેસેન્જરમાં મેસેજ કર્યો હતો, ત્યારબાદ પ્રેમ વિકસ્યો હતો.બલદેવે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં તેઓ બંનેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી. ત્યારબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે બલદેવની વાત કરાવી હતી જે સકારાત્મક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલિઝાબેથે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને તેમણે સ્વીકારતાં પ્રથમ નિયમ મુજબ તેઓ બંનેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્ન કર્યા હતા.