ઓસ્ટ્રેલિયન ઓપન-2021  સુરક્ષિત માહોલમાં ઓછા દર્શકોની હાજરીમાં રમાશે
27, જુલાઈ 2020

વર્ષનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ જૈવ સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર)માં ઓછા દર્શકોની સાથે 2021 ટૂર્નામેન્ટની યજમાની કરવાની યોજના બનાવી છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી ક્રેગ ટીલેએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 2021ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ માટે જરૂરી યોજના બનાવવામાં મદદ માટે યૂએસ ઓપન અને સ્થગિત ફ્રેન્ચ ઓપનના આયોજનને નજીકથી જોઈશું.

ટીલેએ કહ્યુ કે, જાન્યુઆરીમાં રમાનાર ટૂર્નામેન્ટનું માળખુ પહેલાથી તૈયાર કરી લીધુ છે. સામાજીક દૂરી (સોશિયલ ડિસ્ટેન્સિંગ)ના નિયમોને કારણે દર્શકોના બેસવાની ક્ષમતામાં ઘટાડો થશે જ્યારે ખેલાડી જૈવ-સુરક્ષિત માહોલમાં રહેશે અને વિદેશી દર્શકોને મંજૂરી મળશે નહીં.

તેમણે કહ્યું, અમે ઘણા વિકલ્પોની સાથે જવાનો આ સપ્તાહે નિર્ણય લીધો છે. પાછલા વર્ષે રેકોર્ડ 8,21,000 સંખ્યામાં દર્શકો આવ્યા હતા જે આગામી ટૂર્નામેન્ટમાં થઈ શકશે નહીં. મેલબોર્ન અને વિક્ટોરિયા રાજ્યના દર્શકોને મંજૂરી હશે. જો સરહદથી પ્રતિબંધ હટી જાય તો લગભગ ન્યૂઝીલેન્ડના દર્શકોને છૂટ આપી શકાય છે. ટીલેએ કહ્યુ, જો સ્થિતિમાં સુધાર થાય છે અને યૂએસ ઓપન અને ફ્રેન્ચ ઓપનનું આયોજન સારી રીતે થાય છે તો તેની સકારાત્મક અસર થશે અને તેનાથી ખેલાડીઓનો આત્મ વિશ્વાસ વધશે.  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution