વડોદરા

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ રાજ્યના વિવિધ વીજ નિગમોના તમામ કેડરના અંદાજે અડધા લાખ ઉપરાંત વીજ કર્મીઓ તથા અધિકારીઓ છેલ્લા પાંચ પાંચ વર્ષથી એરિયર્સની બાકી ચુકવણી સહિતના લાંબાગાળાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. તેમજ એના ભાગરૂપે ૧૬મી જાન્યુઆરીથી આંદોલનનો પ્રારંભ કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કરીને કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે તારીખ ૧૭ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન રાજ્યની તમામ વીજ કંપનીઓની કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરશે. તેમ છતાં પ્રશ્ન હાલ થશે નહિ તો ૨૧મીએ માસ સીએલ પર જવા માટે અત્યાર સુધીમાં ૪૪ હજાર જેટલા કર્મચારીઓ જાેડાઈ ગયા છે.

એમ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંયોજક ગિરીશ.જે.જાેશીએ વડોદરા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

વીજ કર્મચારીઓ અને અધિકારીઓને સાતમા વેતન પંચ મુજબ નવા બેઝિક પગાર ઉપર મળવાપાત્ર એલાઉન્સ અને તેનું પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી એરીયર્સ મંજુર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ઉર્જા મંત્રી દ્વારા એને મંજુર કરીને એક વર્ષ અગાઉ નાણાં મંત્રાલયમાં મોકલી આપ્યું છે. તેમ છતાં અંદાજે ૨૨૦૦ કરોડ ઉપરાંતનો નફો રળતી વીજ કંપનીઓ બેલેન્સ સીટમાં ચુકવણીની સાતસો કરોડની રકમ દર્શાવવા છતાં ચુકવવાને માટે અખાડા કરી રહ્યા હોવાનું તેઓએ ઉમેર્યું હતું. તેમ છતાં ન ચુકવતા રાજ્યભરના સરકારી ઉર્જા કંપનીઓના અંદાજે ૫૫૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ન છૂટકે આંદોલન રણશિંગુ ફુક્યું છે.

જેને લઈને વીજ પુરવઠાને આગામી દિવસોમાં અસર પહોંચશે એવી આશંકા સેવાઈ રહી છે. તબક્કાવાર કાર્યક્રમ છતાં સરકારની આંખ ન ખુલે તો ઉગ્ર કાર્યક્રમો આપવાને માટે પણ સંકલન સમિતિઓએ મન બનાવી લીધું છે. આ આંદોલનમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઇબી એન્જીનીયર્સ એસોશિએશન,જીઇબી સુપરવાઈઝર સ્ટાફ એસોશિએશન, વીજળી કર્મચારી મહામંડળ, ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળ અને ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળના તમામ સભ્યો જાેડાનાર છે. આ પ્રસંગે મુકેશ રાઠોડ, રજુ ખત્રી, ધીરવ બારોટ, સુરેશ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ જાેડાયા હતા.