ગીર સોમનાથ (વેરાવળ) પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મેળા રસિકોને રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના બંદીવાન કેદીઓ દ્વારા બનતા ગરમાગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયા મેળા મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બન્યા છે. મેળામાં રાખવામાં આવેલા સ્ટોલ પર ખરીદી માટે વેઈટીંગ અને લાઈનો લાગી રહી છે.સોમનાથના મેળામાં ભજીયા સ્ટોલ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર અમીત પાડલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય જેલ અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.રાવના માર્ગદર્શન અનુસાર રાજકોટ જેલ સુપ્રી. એન.એસ.લુહાર તેમજ જેલ ઉદ્યોગ ફેક્ટરી મેનેજર સી.એમ.પરમારના માર્ગદર્શન તળે સોમનાથનાં મેળામાં ૧૪ બંદીજનો અને ૯ કર્મચારીઓ આ સ્ટોલ ઉપર કાર્યરત છે.આ સ્ટોલમાં કોઈપણ જાતની હાથકડી કે માથે હથિયારબંધ પોલીસ પહેરા વગર આ બંદીજનો સામાન્ય સ્ટોલવાળાઓની જેમ જ ગરમાગરમ ભજીયા બનાવતા, વહેચતા અને બનાવવા માટે ચણાના ૧ લોટનો પીંડો બનાવતા કે ઝીણી-ઝીણી મેથીની ભાજીના પાનને સમારતા કે ગ્રાહકોને તૈયાર ભજીયાના પડીકા બાંધતા કે વિશાળ કડકડતા તેલના કડામા ભજીયા તળતા આ બધાય હાલ સજા ભોગવી રહેલ પાકા કામના કેદીઓ છે. આ છતા કોઈ તે સ્થળે ગેરલાભ લઈને ભાગતું નથી.રાજકોટ જેલ ફેકટર મેનેજર કહે છે આ સ્ટોલમાં શુધ્ધ કવોલીટી તેલ, સારુ બેસન, તાજા મેથી-મરચા-ધાણા ગરમ મસાલા સાથે ગુણવત્તાયુક્ત ભજીયા લોકોને પીરસવામાં આવે છે. આ વર્ષે ભજીયા બનાવવાનું મશીન પણ લાવ્યા છીએ. જેમાં બેસન કણક બાંધીને મુકી દેવાય તો એક-એક ક્ષણે એક સાથે ૧૫ ભજીયા તવામાં બનવા પડે, ફક્ત હેન્ડલ દબાવવુ પડે.આ ભજીયા હાઉસમાં કેવા કેદીઓ પસંદ કરાય છે તે અંગે ફેકટરી મેનેજર કહે છે કે કોઈપણ જાતનો જેલ કાનૂનનો ભંગ ન કર્યો હોય, બે ફર્લો રજા ભોગવેલ હોય પરંતુ ફરી પાછા જેલમાં હાજર થઈ ગયા હોય અને ૫૦ ટકાથી વધુ સજા ભરાઈ ગઈ હોય અને ભરોસો સંપાદન કર્યો હોય તે લોકોને રસ-રૂચી, ર્સ્વનિભરતા અને જેલ મૂક્તિ પછી સારૂ જીવન જીવી સ્વરોજગાર મેળવી શકે તેવા હેતુથી નિયમ મુજબ પસંદગી કરાય છે. રાજકોટ જેલમાં ઉદ્યોગ વિભાગમાં ખાદી કાપડ બનાવવું, દરજી કામ, બેકરી ઉદ્યોગ શીખવી જેલમાંથી સજા પુરી થયે મુક્ત થતા કેદીઓ સમાજમા સન્માનપૂર્વક જીવન જીવે તે માટે પ્રયાસો કરાય છે.