અરવલ્લી : ‘સુરક્ષા સો ટકા, જાનહાની ઝીરો ટકા”ના સુત્રને અરવલ્લી પોલીસે અમલમાં મુક્યું હતું. જે મહદંશે સફળ રહ્યું હતું. છતાં મોડાસા તાલુકાના મુલોજ ગામ નજીક બનાવેલ ચેકડેમ પરથી પસાર થતા યુવકનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું રવિવારે સાંજના સુમારે મુલોજ ગામનો રમેશ મથુરભાઈ ખાંટ (ઉં.વર્ષ-૪૦) નામનો યુવક ઘરેથી કામકાજ અર્થે નીકળ્યો હતો. મુલોજ ગામ નજીક ચેકડેમ પરથી પસાર થતી વેળા પગ લપસી જતાં તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાના પગલે મામલતદાર, ટીડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લા પંચાયત સદસ્ય અને સ્થાનિક અગ્રણીઓ દોડી ગયા હતા તંત્રએ સ્થાનિક તેમજ માલપુરના તરવૈયાઓની મદદથી યુવકની લાશને શોધખોળ હાથ ધરી હતી. પાણીની અવાક વધુ હોવાથી તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવકની લાશ બહાર કાઢતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. મૃતકની લાશને પીએમ માટે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.