વડોદરા -

શહેર નજીક ફાજલપુર ખાતે આજે મોડી સાંજે મહિસાગર નદીમાં એક મહિલાની લાશ પડી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડે બહાર કાઢેલી લાશની પ્રાથમિક તપાસમાં જ મહિલાની લાશના બંને હાથ પગ અને મોંઢું બાંધેલી હાલતમાં જાેવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી. અજાણી મહિલાની હત્યાની શંકા સેવાતી હોઈ પોલીસે લાશને તુરંત બાજવા પીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ફાજલપુર ખાતે મહિસાગર નદીમાં બ્રિજના નીચે કિનારા પર આજે મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ તરતો જાેવા મળ્યો હતો. આ અંગેની નંદેસરી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરોએ લાશને બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં આશરે ૩૫ વર્ષની લાગતી અજાણી મહિલાની લાશના હાથ-પગ દોરીથી બાંધેલા હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ચોંકી ઉઠ્યા હતા. આ બનાવના પગલે નંદેસરી પીઆઈ એ કે વાડિયા સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બ્લેકરંગનો ડિઝાઈનવાળો ડ્રેસ અને ગુલાબી રંગના પાયજામો પહેરેલી અજાણી મહિલાની લાશ ચારથી પાંચ દિવસ સુધી પાણીમાં પડી રહેવાના કારણે ફુલી જવા સાથે ડિકંપોઝ પણ થઈ હતી. લાશના હાથ-પગ બાંધેલી હાલતમાં હોઈ તેમજ મૃતકના હાથમાં લાલ રંગની બંગડીઓ હોઈ મૃતક મહિલા પરિણીત હોવાનું મનાઈ રહ્યું છે. જાેકે મોડી સાંજે પોલીસ ઈન્કવેસ્ટ ભરી નહી શકતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે બાજવા પીએચસી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

આ બનાવ અંગે પીઆઈ વાડિયાએ જણાવ્યું હતું કે અજાણી મહિલાની ઓળખ છતી થયા બાદ આ બનાવની વધુ માહિતી મળશે. અજાણી મહિલાની વાસ્તિવક ઉંમર કેટલી છે ? કોઈ અન્ય સ્થળે હત્યા કર્યા બાદ તેની લાશને નદીમાં ફેંકી દેવાઈ છે ? કે પછી તેને કોઈ ઘનયુક્ત પદાર્થ ખવડાવીને બેભાનવસ્થામાં અથવા તો હાથ-પગ બાંધીને બળપુર્વક જાગૃત અવસ્થામાં પાણીમાં ફેંકી દેવાઈ છે ? તેની પર કોઈ દુષ્કર્મ કરાયું છે કે કેમ ? તેની પર હુમલો કે કોઈ હથિયારથી ઈજા પહોંચાડવામાં આવી છે કે કેમ ? તે તમામ પ્રશ્નોનો આવતીકાલે પોસ્ટમોર્ટમ બાદ જ ભેદ ઉકેલાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

ફાજલપુર બ્રિજ નીચેથી કોઈ દુકાનદારે લાશને ફેંકતા જાેઈ નથી

આ બનાવની તપાસ કરતા નંદેસરી પીઆઈ એ કે વાડિયાએ જણાવ્યું હતું કે હાલમાં મહિસાગર નદીના ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ હોઈ નદીમાં પાણીનું વ્હેણ વધુ છે જેથી લાશ અન્ય સ્થળેથી તણાઈને અત્રે આવી હોવાનું અનુમાન છે. ફાજલપુર બ્રિજની નીચે દુકાનો ચાલુ હોઈ જાે કોઈ વ્યકિત બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવે તો તેની આ દુકાનદારોને તુરંત જાણ થાય છે અને તેઓ પોલીસને માહિતી આપે છે. આ બનાવમાં દુકાનદારોની પ્રાથમિક પુછપરછ કરી હતી પરંતું તેઓએ આ લાશને બ્રિજ પરથી પડતા નથી જાેઈ તેમ જણાવ્યું હતું.

શહેર-જિલ્લામાં અઠવાડિયામાં ગુમ થયેલી મહિલાઓની તપાસ

અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા શહેર-જિલ્લાનું પોલીસ તંત્ર લાશની ઓળખ છતી કરવા માટે કામે લાગ્યું હતું. નંદેસરી પોલીસે મહિલાના મૃતદેહના ફોટા શહેર-જિલ્લા પોલીસને મોકલતા પોલીસે છેલ્લા અઠવાડિયાથી તેઓના પોલીસ મથક વિસ્તારમાં ઉક્ત વર્ણન જેવી કોઈ મહિલા કે યુવતી ગુમ થઈ છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે.