વડોદરા : આજવા ગાર્ડન ખાતે આવેલા આતાપી ગાર્ડન વોટરપાર્કમાં ધુળેટીના દિવસે રમતી વખતે માથામાં ઈજા થયા બાદ ૧૪ વર્ષના કિશોરનું ગઈ કાલે માથામાં દુઃખાવો થતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આતાપીના વોટરપાર્કમાં રમતી વખતે ઘાયલ થયેલા કિશોરના મોતના બનાવની વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતું વગદાર આતાપીના સંચાલકોને કદાચ કોઈ ચોક્કસ કારણોસર સાચવવાનો ઈરાદો હોય તેમ વાઘોડિયા પોલીસે નવાઈ વચ્ચે કિશોરના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેનું પોસ્ટમોર્ટમ કરવાના બદલે કિશોરના પરિવારજનો કોઈ કાર્યવાહી કરવાની ના પાડે છે તેવા વાહિયાત કારણ સાથે કિશોરનો મૃતદેહ પરિવારજનોને બારોબાર સોંપી દઈ સમગ્ર મામલે ભીનું સંકેલી દેતા ચકચાર જાગી છે.

રાજમહેલરોડ પર સુરતકરની ગલીમાં રહેતા ૫૪ વર્ષીય શશીકાંતભાઈ રમણભાઈ સોની ગત ૨૯મી તારીખે ધુળેટીના દિવસે તેમના પુત્ર ૧૪ વર્ષીય રોહન તેમજ પુત્રી રૂપલબેન અને તેમનો પુત્ર રાહુલ સાથે આજવા ખાતે આતાપી ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા. દરમિયાન રોહન અન્ય બાળકો સાથે આતાપી ગાર્ડન સ્થિત વોટરપાર્કમાં રહતો હતો તે સમયે રોહનના માથામાં કંઈક વાગ્યું હતું. સાંજે અંધારુ થતાં શશીકાંતભાઈ અને ત્રણેય બાળકો ઘરે પરત આવી ગયા હતા અને રાત્રે જમીને સુઈ ગયા હતા. દરમિયાન ગઈ કાલે સવારે રોહનના માથામાં ભારે દુઃખાવો થતાં તેના પિતા શશીકાન્તભાઈ તેને તુરંત ખાનગી વાહનમાં એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જયાં રોહનને વોર્ડ-૨૦માં સારવાર માટે દાખલ કરાયો હતો. જાેકે સારવાર દરમિયાન રોહનનું બપોરે ૨.૪૦ વાગે મોત નીપજયુ હોવાનું તબીબોએ જાણ કરતા પરિવારજનો સ્તબ્ધ થયા હતા.

રોહનનું આતાપી વોટરપાર્કમાં માથામાં ઈજા થવાના કારણે મોત થયું હોવાનું ખુદ પરિવારજનોએ હોસ્પિટલના પોલીસને જાણ કરતા આ બનાવની વાઘોડિયા પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. વાઘોડિયા પોલીસ મથકના આજવા આઉટપોસ્ટના હેકો મસુલભાઈ કલાભાઈએ નિયમોનુસાર સયાજી હોસ્પિટલ ખાતે પહોંચીને આ બનાવની તપાસ શરૂ કરી હતી. પોલીસે રોહનના પિતા શશીકાંતભાઈ તેમજ કાકા નિમેશભાઈ અને મામા ભુપેન્દ્રભાઈનું નિવેદન લીધું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ બનાવ બાબતે અમારે કોઈ પોલીસ કાર્યવાહી કરવી નથી કે ભવિષ્યમાં પણ કોઈ પોલીસ કાર્યવાહી કરવાની નથી તેવું નિવેદન લીધું હતું અને અકસ્માતે મોતના બનાવમાં નિયમોનુસાર કરવાની તમામ કાર્યવાહીઓ નેવે મુકી દઈ પોલીસે આ નિવેદનની નોંધ વાઘોડિયા પોલીસ મથકના સ્ટેશન ડાયરીમાં કરાવીને રોહનની લાશનો કબજાે પરિવારજનોને સોંપી દેતા તેઓએ તેની અંતિમવિધિ કરી નાખી હતી.

કોઈ પણ વ્યકિતને ગમે તે સ્થળે ગમે તે વસ્તુ, હથિયારથી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ઈજા થાય કે કોઈ ઈજા પહોંચાડે કે કોઈની બેદરકારીના કારણે પણ ઈજા થાય અને આવા ઈજાગ્રસ્તનું જાે મોત નીપજે તો મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ઈજાગ્રસ્ત મૃતકનું પોસ્ટમોર્ટમ કરવું એવો નિયમ છે પરંતું આ કેસમાં ઉપરોક્ત તમામ પરિસ્થિત હોવા છતાં વાઘોડિયા પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ નહી કરતા પોલીસ કાર્યવાહીએ અનેક શંકાઓ ઉભી કરી છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા પોલીસે માસુમ કિશોરનું ઈજાના કારણે મોત થયું હોવા છતાં પરિવારજનોની ઈચ્છા નથી માટે કોઈ કાર્યવાહી નથી કરી તેવું એકદમ વાહિયાત કારણ આપીને સમગ્ર મામલે ભીનું સંકેલી દેતા રાજકિય વગ ધરાવતા અને નાણાંકિય રીતે ભારે સમૃધ્ધ મનાતા આતાપીના સંચાલકોને બચાવી લેવા માટે પોલીસે સમગ્ર ખેલ સિફતતાપુર્વક પાર પાડ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ભારે કડક અને પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઈ અને રેન્જ આઈ.જી. એચ.કે.પટેલ આ બનાવની ઈમાનદારીપુર્વક તપાસ કરાવે તો ચોંકાવનારી વિગતો કદાચ સપાટી પર આવશે તેમ જાણકારોનું માનવુ છે.

આપઘાત અને અકસ્માતના બનાવમાં પોસ્ટ મોર્ટમનો પરિવારજનો ઈનકાર કરતા જ હોય છે

ચોક્કસ કારણોસર અને અંતિમચિઠ્ઠી લખીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાના બનાવમાં તેમજ જાહેરમાર્ગો પર અકસ્માત થતાં મોત થવાના બનાવમાં કોઈ રહસ્ય કે કોઈ એવી છુપી વાત હોતી નથી કે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવું પડે. આવા કિસ્સામાં મૃતકના પરિવારજનો પણ પોસ્ટમોર્ટમ કરવાની સ્પષ્ટ ના પાડતા હોય છે અને સયાજી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો અને પોલીસ વચ્ચે પોસ્ટમોર્ટમ માટે વારંવાર વિવાદો થતા હોય છે અને પોલીસને બળપ્રયોગ પણ કરવો પડે છે પરંતું પોલીસ પોસ્ટમોર્ટમ તો કરે જ છે ..તો પછી આ કેસમાં વાઘોડિયા પોલીસે કેવી રીતે માની લીધું કે રોહનનું મોત પાની ભરાવવાથી થયું છે, રોહનના કાનમાં પાણી ભરાયુ કે પોલીસના ખિસ્સા ભરાયા છે ? તે પણ હવે ઉચ્ચાધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે.

રોહનના સંબંધી ડોક્ટરે કહ્યું કાનમાં પાણી ભરાયું હશે અને પોલીસે માની પણ લીધું

આતાપી ગાર્ડનના વગદાર સંચાલકોને બચાવી લેવાના ખેલ અંગે વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ એ.જી.પરમારે જણાવ્યું હતું કે આ કેસમાં મૃતક રોહનને કોઈ ઈજા થઈ જ નથી. આ ઉપરાંત રોહનના સંબંધીઓના નિવેદન લેવાયા છે અને મૃતકના એક સંબંધી તો ડોક્ટર છે અને તેમણે રોહનના કાનમાં કદાચ પાણી ભરાઈ ગયુ હશે તેમ જણાવી પોલીસ કાર્યવાહીનો ઈનકાર કર્યો હતો અને પોલીસે આવું હાસ્યાસ્પદ કારણ માની પણ લીધું હતું. પોલીસની વાત કદાચ માની પણ લઈએ તો પછી રોહનનુ મોત કેમ થયું તેનું રહસ્ય અકબંધ જ રહ્યું છે.