વડોદરા, તા.૨૪

કડક દારૂબંધી અંગે શહેર પોલીસના દાવાને ખોખલો સાબિત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની બદનામી થઈ છે. જાહેર માર્ગ ઉપર દારૂની બોટલો હાથમાં લઈ લહેરાવતા યુવકનો વીડિયો વિશ્વામિત્રી વિસ્તારનો હોવાથી રાવપુરા પોલીસે યુવાનને ઝડપી પાડયો છે. જ્યારે હપ્તા અંગેના વીડિયોમાં ઉચ્ચારણને પગલે ડીસીપી દ્વારા એસીપીને તપાસ સોંપવામાં આવી છે.

બૂટલેગર યુવાન દર્શન પંચાલે વિશ્વામિત્રી બ્રિજ નજીક રાત્રિના સમયે દારૂની ત્રણ બોટલો હાથમાં લઈ લહેરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે વાહનોની અવરજવર વચ્ચે બૂટલેગર દારૂની ત્રણ બોટલ બતાવી અન્ય બૂટલેગર અને સ્થાનિક રાવપુરા પોલીસને પડકાર ફેંકી રહ્યો છે અને એને કહ્યું હતું એ એક નંગ મારે ત્યાંથી જવો ના જાેઈએ. આ વસ્તુ ખોટી છે. હું ચીમનનો છોકરો છું. એક નહીં આખી પેટી લઈને જઈશ. મહિલાએ તારે એની સાથે શું દુશ્મની એવું પૂછતાં એને કહ્યું હતું કે, મારી પાસે આખું રેકોર્ડિંગ છે એ એવું બોલ્યો કે રાવપુરામાં હું ભરણ આપું છું.રાત્રિના સમયે જ વાયરલ થયેલા આ વીડિયોએ વહેલી સવારથી ધૂમ મચાવી હતી અને પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. જાે કે, રાવપુરા પીઆઈએ આ વીડિયોને ગંભીરતાથી નહીં લઈ આખા મામલાને સામાન્ય વાત ગણાવી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતાં જ હાંફળી બનેલી રાવપુરા પોલીસે દોડધામ કરી બૂટલેગર દર્શન ચીમનલાલ સોલંકી (રહે. વિશ્વામિત્રી ટાઉનશિપની બાજુમાં, વલ્લભ કોમ્યુનિટી હોલ, માંજલપુર)ને વોડકાની ત્રણ બોટલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ડીસીપી જયરાજસિંહ વાળાએ વીડિયોની ગંભીર નોંધ લઈ રાવપુરા પોલીસ હપ્તા લે છે એવા વીડિયોમાં થયેલા ઉચ્ચારણો અંગે એસીપી રાજગોરને તપાસ સોંપી છે.