વડોદરા, તા.૬

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નું રૂા.૭૯.૪૭ કરોડના કરબોજ સાથેનું રૂા. ૪૭૬૧.૯૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. ચાર દિવસની ચર્ચા વિચારણા બાદ આજે સ્થાયી સમિતિએ કુલ બજેટમાં૬૮.૮૨ કરોડનો વધારો કરીને તેમજ કમિશનરે સૂચવેલો કરબોજ યથાવત્‌ રાખીને રૂા.૪૮૩૦.૭૫ કરોડના બજેટને મંજૂરી આપી છે. બજેટમાં રૂા.૨૬૦૦ કરોડના ૯૨૪ વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બજેટ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બજેટમાં મ્યુનિ.કમિશનરે મિલકત વેરામાં સૂચવેલો વધારો તેમજ નવો એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ મળીને ૭૯.૪૭ કરોડનો સૂચવેલા વધારા સાથે કુલ બજેટની રકમમાં રૂા.૬૮.૮૨ કરોડનો વધારો કરીને રૂા.૪૮૩૦.૭૫ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખર્ચમાં ૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ અન્ય આવકના સ્ત્રોતમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કમિશનરે સૂચવેલ લાગતોમાં વધારા પૈકી કેટલીક યથાવત્‌ રાખી છે. જ્યારે સયાજીબાગ ઝૂ ની ફી સહિત કેટલીક લાગતોમાં સામાન્ય વધારાની સાથે રૂા.૮.૫૦ કરોડ જેટલો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશનનું પાછલું બજેટ રૂપિયા ૩૮૩૮ કરોડનું હતું.બજેટ અંગે વધુ વિગત આપતાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે ઓપ્ટિક ફાઇબર કેબલ નેટવર્ક માટે કોર્પોરેશન દ્વારા અગાઉ જે રકમ અને ભાડું લેવામાં આવતું હતું તેને માફી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા સરકાર પાસે ગ્રાન્ટની રકમની માંગણી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વહીવટીતંત્રને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.

જીઆઇડીસી, બીઆઇડીસી, અન્ય એસ્ટેટોમાં સ્ટ્રીટલાઇટ સહિતની અન્ય સુવિધા અપાશે

• માંજલપુર ખાતે સ્વિમિંગ પુલ નવો બનાવાશે

• મોનો કાર્પીસી માટે નિષ્ણાતોનો અભિપ્રાય મંગાવવો

• પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વીએમસી સ્ટોક હોલ્ડર તરીકે લે છે એટલે વધુ ભાવ ચૂકવવો પડે છે તે બાબતે યોગ્ય આયોજન કરવું.

• મોટા પ્રમાણમાં જ્યાંથી કચરો કલેકટ કરવામાં આવે છે, તેઓ પાસેથી ચાર્જ લેવાની પોલિસી બનાવવી

• વ્હીકલ પુલને નિયત સમયમર્યાદામાં બે ઝોનમાં વહેંચવું

• જાહેર સ્થળોએ ટોઇલેટ પે એન્ડ યૂઝ વાળી સંસ્થાઓને આપવા

• મિલકત વેરાના સંદર્ભમાં વ્યાજમાફીની સ્કીમો લાવ્યા બાદ પણ વેરો ના ભરતાં હોય તે મિલકત પર બોજાે ચડાવવાનું નકકર આયોજન કરવું

• ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલના પાણી કનેકશનને વોટર મીટરથી જ પાણી આપવા સંદર્ભે પોલિસી બનાવવી

• રોડ ડિવાઇડર તેમજ અન્ય લોક ઉપયોગી વ્યવસ્થાઓ માટે સીએસઆર અંતર્ગત બનાવવા સીએસઆર પોલિસી બનાવવી

• ૧૫ વર્ષ જૂના વ્હીકલની યાદી બનાવવી અને તેના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરવી

• પંપવાળી પાણીની ટેન્કરો વધારવી

• ઓએફસી કેબલની તમામ પરવાનગીઓના ડ્રોઇગનું ડિજિટલાઇઝેશન કરવું

• ટ્રાફિકનું ભારણ ઘટાડવા બે આઉટર રીંગ રોડનું આયોજન

• ૧૦૦ ટન સુધીનો ડામરનો જથ્થો વપરાય તેવા તમામ રોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવા સૂચન

• જન્મ, મરણ તથા લગ્ન નોંધણીની તથા યુસીડીની ઓફિસ નવી બનાવવી તેમજ જૂની બંધ પડેલ મિલકતોને વાણિજય હેતુ તથા અન્ય ઉપયોગના હેતુ માટે ડેવલપ કરવાનું સૂચન

• ૫૦ નવિન આંગણવાડીઓ બનાવવી અને સીએસઆર ફંડનો ઉપયોગ પણ કરવા સૂચન

• સીએચસી સેન્ટરો ૨૪ કલાક ચાલે અને એન્ટી-રેબીસ રસી ૨૪ કલાક આ સેન્ટર પર મળી રહે તે માટેનું આયોજન કરવા સૂચન

ઈ-વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તે માટેનું આયોજન કરવા સૂચન

• ઇ-વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને લોકો પણ ઇ-વેસ્ટનો નિકાલ પદ્ધતિસર નિકાલ કરી શકે તે માટે કોર્પોરેશનને નિયત કરેલી સંસ્થાને ઇ-વેસ્ટ આપે તેની જનજાગૃતિ લાવવા અને કોર્પોરેશનના તમામ વિભાગમાંથી ઇ-વેસ્ટ એકત્રિત કરી તેનો નિકાલ કરવાનું આયોજન કરવા સૂચન છે

• ફાયર એનઓસીને ઓનલાઇન કરાશે

• કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી દુકાનો, ઇમલાઓ, કેબિનો, વિ. નો સર્વે કરી મહિનામાં રેકોર્ડ તૈયાર કરાશે

• નૂર્મ, બીએસયુપી, વિવિધ આવાસ યોજનાઓ જેવી વિવિધ આવાસો યોજનામાં ૮૦-૨૦ સ્કીમ અંતર્ગત પાણી, ડ્રેનેજ, રોડ વિ. બનાવવા સંદર્ભે પોલિસી નકકી કરાશે

• બેબી ફીડીંગ એરિયા બાગોમાં વિકસાવવા સૂચન