અમદાવાદ-

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા કેસ ને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય ટીમના આજે ગુજરાતમાં ધામા છે. નીતિ આયોગ, વરિષ્ઠ તજજ્ઞોની ટીમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યું છે અને તેઓ કોરોના મુદ્દે સમગ્ર માહિતી મેળવશે. એટલું જ નહીં, કોરોનાનું એપીસેન્ટર સુરત અને અમદાવાદમાં કોરોના મુદ્દે ટીમ દ્વારા સમીક્ષાની ચર્ચા પણ કરાશે. સુરતમાં ફિલ્ડ વિઝિટ બાદ અમદાવાદમાં સમીક્ષા કરાશે. અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનની દિલ્હીથી આવેલી ટીમ મુલાકાત લેશે. છેલ્લે કેન્દ્રીય ટીમ AMCના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. સાંજે કેન્દ્રીય ટીમની CM રૂપાણી સાથે મીટીંગ પણ છે.

મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રીએ આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને કરેલા અનુરોધને પગલે તાજેતરમાં મે મહિનામાં એઇમ્સ નવી દિલ્હીના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજા અમદાવાદમાં કોરોના-કોવિડ-19ની સ્થિતિમાં માર્ગદર્શન અને સમીક્ષા માટે આવ્યા હતા.

ત્યારબાદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવકુમાર અગ્રવાલે પણ ગુજરાતની મૂલાકાત લીધી હતી. હવે ફરી એકવાર મુખ્યમંત્રીના કેન્દ્ર સરકારને વિનંતીના પરિણામે ગુરૂવાર તા. 16 જુલાઇથી શનિવાર તા.18 જુલાઇ સવાર સુધી અમદાવાદ અને સુરતની મૂલાકાતે 4 વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ આવી છે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાની આ ટીમ ગુરૂવારે તા.16મી જુલાઇએ સાંજે અમદાવાદથી હવાઇ માર્ગે સુરત જવા રવાના થઇ હતી.

સુરતમાં આ તજજ્ઞ ટીમ સુરત જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય ટીમના સભ્યો શુક્રવારે સવારે સુરતમાં ફિલ્ડ વિઝીટ કરશે અને બપોરે અમદાવાદ આવશે તેમજ અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની મૂલાકાત લીધા પછી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે.