વરસાદની સંભવિત સ્થિતિને પહોંચી વળવા તંત્રને સાબદા રહેવા મુખ્ય સચિવે અનુરોધ કર્યો
27, મે 2022

ગાંધીનગર, રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોચી વળવા સંપૂર્ણ તકેદારીપૂર્વક તૈયારીઓ કરવા વહીવટી તંત્રને રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર દ્વારા આજે અનુરોધ કરાયો હતો. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિમોન્સૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક સઘન આયોજન કરવુ પડશે. બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા અંગે એક્શન પ્લાન રજૂ કર્યા હતા. જે અંગે મુખ્ય સચિવે જરૂરી સૂચનો કરી જણાવ્યું હતું કે, ભૂતકાળના અનુભવના આધારે આપત્તિ સમયે જે કંઈ પણ તકલીફ પડી હોય તેના નિરાકરણ માટે પૂરતી કાળજી રાખવી, જિલ્લા ડિઝાસ્ટર પ્લાન વાસ્તવિકતા અને તથ્યોના આધારિત સચોટ બનાવવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પૂર અને અન્ય વિકટ પરિસ્થિતિમાં રિસ્પોન્સ ટાઈમ ઘટે અને લોકોને ત્વરિત મદદ થાય તે અંગે વ્યૂહાત્મક યોજના બનાવવાની સૂચનાઓ પણ આપી હતી. મુખ્ય સચિવે ઉમેર્યું કે, રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદ સહિત અન્ય કામગીરીના ડેટા કલેકશન અંગેના રિપોર્ટનું ખાસ ફોર્મેટ બનાવવું, જેથી તમામ વિભાગોના ડેટા એક સમાન ફોર્મેટમાં આવે અને ડેટા કલેકશનમાં સુસંગતતા જળવાઈ રહે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યાનુસાર આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરાઈ છે. જેમાં કેરળમાં વરસાદ પડશે તે પછીના ૪૮ કલાકમાં ગુજરાતમાં વરસાદની સંભાવના અંગેની આગાહી કરાશે. આ માટે હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જયારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. સ્વરૂપે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પૂર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ વિભાગો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલી તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. તેમજ પૂર-વાવાઝોડા સમયે સાવચેતીરૂપે રાખવાની કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution