રાજપીપળા, કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે.ત્યારે નાત-જાતના ભેદ ભાવને બાજુએ મૂકી રાજપીપળાના ક્રિશ્ચિયન પરિવારના સભ્યો જ્યોર્જ એલન બર્ક, માયા બર્ક, મધુબાલા જ્યોર્જ બર્ક, મારીયા જાેન બર્ક, જાેયશે જ્યોર્જ બર્ક, સારાહ જ્યોર્જ બર્કે સેવાકીય કાર્ય હાથ ધર્યું છે.એ પરિવારે રોજ રાજપીપળામાં ઘરે રહી કોરોનાની સારવાર લઈ રહેલા ૨૦૦-૨૫૦ દર્દીઓને ૨ ટાઈમ જમવાનું પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી રાજપીપળા શહેરમાં હોમ કોરોન્ટાઈન રહી સારવાર લઈ રહેલા ૨૫૦ દર્દીઓ સહિત એમના પરિવારને સવાર-સાંજનું ભોજન પરિવાર દ્વારા અપાય છે.પરિવાર પર ઘણા કોરોનાગ્રસ્ત પરિવારના ભોજન માટે ફોન આવે છે એ દરેકનું સરનામું લઈ એમની ઘરે ૨ ટાઈમ જમવાનું પહોંચાડે છે.પરિવારના સભ્ય અને સમાજ સેવી મહિલા મારીયા બર્ક જણાવે છે કે અમે લોકોને એક સમય બપોરે ગરમા ગરમ દાળ-ભાત-શાક-રોટલી-કચુંબર અને રાત્રે કઢી-ખીચડી-પુલાવ જેવું સાત્વિક ભોજન બનાવી પહોંચાડીએ છીએ. અમને કોઈ આર્થીક મદદ મળે કે ના મળે પણ અમે આ સેવા ચાલુ રાખીશું. અમારા ફોન ૨૪ કલાક ચાલુ હોય છે, ઘણી વાર તો રાત્રે મોડા પણ ફોન આવે છે એમને પણ અમે જમવાનું બનાવી મોકલી આપીએ છીએ.