વડોદરા, તા.૧૬

મધ્ય ગુજરાતમાં હજુ મેઘરાજાએ જમાવટ કરી નથી પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી છૂટાછવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટાં થઈ રહ્યાં છે. આજે દિવસ દરમિયાન વરસાદના વિરામ બાદ મોડી સાંજે વરસાદનું જાેરદાર ઝાપટું થતાં અડધો ઈંચ વરસાદ થયો હતો. જાે કે, ગત રાત્રિ દરમિયાન ડભોઈમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો હતો.

મુંબઈમાં મેઘરાજાએ બે દિવસથી બરાબર જમાવટ કરી છે. ત્યારે અગામી બે ત્રણ દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા જમાવટ કરે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે. જાે કે, આજે દિવસ દરમિયાન આંશિક વાદળિયા માહોલ વચ્ચે વરસાદે વિરામ પાળ્યો હતો. પરંતુ રાત્રે ગણતરીના સમયે જાેરદાર વરસાદ થતાં નોકરી, ધંધાર્થી લોકો ઘરે જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા. જાે કે, વડોદરામાં ૧૦ મિ.મી. વરસાદને બાદ કરતાં જિલ્લાના અન્ય તમામ તાલુકાઓમાં વરસાદે વિરામ પાળ્યો હતો. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન ડભોઈ તાલુકામાં ૭૮ મિ.મી. એટલે ૩ ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે જિલ્લાના વાઘોડિયામાં ૧૯ મિ.મી. અને અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો. રાત્રે હળવા વરસાદને પગલે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. આજે મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું.