વડોદરા : વડોદરા શહેરમાં આવેલ રાસાયણિક ઔદ્યોગિક એકમો અને મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની વિશ્વામિત્રી અને શહેર નજીકની ઢાઢર નદીમાં ગેરકાયદે કનેકશન આપી નદીઓને દૂષિત કરવામાં આવી રહી છે. બીજી તરફ રાસાયણિક ઔદ્યોગિક એકમો દ્વારા પણ કેમિકલ વેસ્ટ અને દૂષિત પાણી ઠાલવવામાં આવતું હોવાથી બંને નદીઓના પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. જેના લીધે ઢાઢર નદીનું પાણી દૂષિત તેમજ કાળાશ પડતું થઈ જતાં નદીકાંઠાના ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં રોષની લાગણી વ્યાપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલ રાસાયણિક ઔદ્યોગિક એકમો અને મહાનગરપાલિકાાન અધિકારીઓના છૂપા આશીર્વાદથી વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં ગેરકાયદે ગટરોના કનેકશનો લઈ આ નદીઓના પાણી કેટલાંય સમયથી દૂષિત કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ નદીઓમાં ગેરકાયદે કેમિકલ વેસ્ટના દૂષિત પાણી ઠાલવતી ટેન્કરો પણ પકડાઈ ચૂકી છે, પરંતુ સત્તાધીશો દ્વારા આ મુદ્દે ભેદી મૌન સેવી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ નદીઓને દૂષિત કરવામાં આવતી હોવા છતાં નદીના પાણી દૂષિત કરનાર તત્ત્વો સામે ભેદી મૌન સેવી રહ્યા છે જેના કારણે નદીકાંઠે વસેલા ગ્રામ્યવિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. વડોદરામાં ઔદ્યોગિક પ્રદુષણ ફૂલ્યું ફાલ્યું છે.