ઝાલોદ

ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન પેટલાદ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકેના તેમના ફરજકાળ દરમિયાન આગવી ઓળખ યોજના હેઠળ નવીન ટાઉનહોલ બનાવવાની કામગીરીમાં આચરવામાં આવેલ ગેરરીતિ સંબંધમાં શિસ્ત વિષયક કામગીરી હાથ ધરવા બાબતે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવેલ હોવાથી તેઓની સક્રિય સેવા ચાલુ રાખવી જાહેર વહીવટી હિતમાં ન હોવાથી તેઓને તાત્કાલીક અસરથી ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવતા ઝાલોદ નગરમાં ચકચાર મચી જવા પામી છે. હિરલબેન હરીહરરાય ઠાકર તારીખ ૧૯.૩.૨૦૧૮ થી તારીખ ૨૧.૮.૨૦૨૦ દરમિયાન પેટલાદ નગર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તે ફરજ દરમિયાન તેમના દ્વારા પેટલાદ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “આગવી ઓળખ” યોજના હેઠળ નવીન ટાઉનહોલ બનાવવાની કામગીરીમાં આચરવામાં આવેલ ગેરરીતિ સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ છે અને આ બાબતે તપાસ તેઓની ખાતાકીય તપાસ શરૂ કરવામાં પણ આવી છે. આ કારણોસર તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોય તેઓને તાત્કાલીક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકવાનો હુકમ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે