સુરત-

દેશનું સૌથી પ્રથમ ઓક્શન હાઉસ બનીને તૈયાર થઈ ગયુ છે. જાેકે, તેનુ ગૌરવ પણ ગુજરાતને મળે તેવુ છે. કારણ કે, દેશનુ પહેલુ ઓક્શન હાઉસ સુરત શહેરમાં બન્યુ છે. આલિશાન બનાવાયેલા આ ઓક્શન હાઉસનુ એક દિવસનું ભાડુ જ એક લાખ રૂપિયા છે. ૧૬ ઓગસ્ટના રોજ આ ઓક્શન હાઉસનું ઉદઘાટન થવાનું છે.

આ ઓક્શન હાઉસ સુરતના જીજેઈપીસી દ્વારા વેસુ વિસ્તારના ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઓક્શન હાઉસમાં ડાયમંડની હરાજી થશે. જેમાં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરી શકાશે. દેશના પહેલા ઓક્શન હાઉસનું પહેલુ બુકિંગ ૧૮ ઓગસ્ટના રોજ થઈ ચૂક્યુ છે. જેથી ઉદઘાટનના એક દિવસ બાદથી જ તે કાર્યરત થઈ જશે. આ ઓક્શન હાઉસ તૈયાર થઈ જવાથી અનેક વેપારીઓ તેનો ફાયદો લઈ શકશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જ્વેલરીના વેપારીઓ માટે પણ ઓક્શન હાઉસ ઉપયોગી બની રહેશે. હીરા વેપાર સાથે સંકળાયેલ કોઈ પણ વેપારી માટે આ ઓક્શન હાઉસ વેપાર કરવાનું મહત્વનું સ્થળ બની રહેશે.