દેશનાં સૌ પહેલા મહિલા કાર્ડિયોલોજીસ્ટ ડો.પદમાવતીનું 103 વર્ષની વયે અવસાન
31, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

ભારતના સૌપ્રથમ કાર્ડિયોલોજિસ્ટ ડો. એસઆઈ પદ્માવતી ૧૦૩ વર્ષની જૈફ વયે કોરોનાને કારણે અવસાન પામ્યાં છે. શનિવારે તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. ૯૮ વર્ષની ઉંમર સુધી રોજના ૧૨ કલાક સુધી કામ કરનારા ડો. પદ્માવતી પોતાના જીવનકાળના છેક છેલ્લા દિવસો સુધી સક્રિય હતાં.દિલ્હીની નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ડો. પદ્માવતીને ૧૧ દિવસ પહેલા એડમિટ કરવામાં આવ્યાં હતાં. તેમના બંને ફેફસાંમાં ગંભીર ઈન્ફેકશન લાગી ગયું હતું, જે આખરે તેમના મોતનું કારણ બન્યું હતું.

નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલની સ્થાપના ૧૯૮૧માં ડો. પદ્મમાવતીએ જ કરી હતી. તેમને કાર્ડિયોલોજીના ગોડમધર તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં.દર્દીઓની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો. પદ્માવતીએ ૧૯૫૧માં લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજમાં ઉત્તર ભારતની સૌ પ્રથમ કાર્ડિયાક કેથેટેરિસેશન લેબ શરુ કરાવી હતી. ૧૯૬૭માં ડો. પદ્માવતી મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડિરેકટર પ્રિન્સિપાલ બન્યાં હતાં, અને ઈરવીન તેમજ જીબી પંત હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા હતા.કાર્ડિયોલોજીમાં પહેલો ડીએમ કોર્સ શરુ કરનારા ડો. પદ્માવતી જ હતાં. ૧૯૬૨માં તેમણે ઓલ ઈન્ડિયા હાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ૧૯૬૭માં તેમને પદ્મભૂષણ જયારે ૧૯૯૨માં પદ્મ વિભૂષણ અવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution