અમદાવાદ-

હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવેલાં પતિ-પત્ની બે દિવસ હોટલમાં રોકાયાં હતાં. બાદમાં પતિ પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળી રૂમનું સેટિંગ કરી આવું છું, એમ કહી ચાર કલાક સુધી પરત આવ્યો ન હતો. એકલી ગભરાયેલી મહિલાને એક ટ્રાફિક પોલીસકર્મી જાેઈ જતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે પતિનો નંબર લઇ ફોન કરતાં એ બંધ આવતો હતો, જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરી હતી.

મહિલા હેલ્પલાઈન ૧૮૧ની ટીમને ફોન આવ્યો હતો કે કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા એકલી બેઠી છે અને ગભરાયેલી છે, જેથી સિવિલ લોકેશનની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચી હતી, જ્યાં મહિલાની પૂછપરછ કરતાં તેઓ હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવ્યા હતા. બે દિવસ હોટલમાં રોકાયાં હતાં. બાદમાં ત્રીજા દિવસે પતિ તેને લઈને રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળી રૂમનું સેટિંગ કરી આવું છું, એમ કહી બાર વાગ્યાની જગ્યાએ ચાર વાગ્યા સુધી પરત ન ફરતાં ચિંતા થવા લાગી હતી. પતિ મોબાઈલ અને સામાન બંને સાથે લઈ ગયો હતો.

જેથી મહિલા એકદમ ગભરાયેલી હતી. એવામાં સ્ટેશનમાં એક ટ્રાફિક પોલીસકર્મી મહિલાને આ રીતે જાેઈ જતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા રડવા લાગી હતી, જેથી હેલ્પલાઈનની ટીમે તેને સાંત્વનાં આપી અને તેના પતિનો નંબર લઇ ફોન કર્યો હતો, જાેકે એ બંધ હતો. મહિલા પાસેથી તેના પતિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મળી આવ્યો હતો, જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નંબર અને ફોટો આપી પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરવા જાણ કરી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે આ રીતે અમદાવાદમાં એકલી અને ગભરાયેલી મહિલાની મદદ કરી હતી.