09, જુન 2021
રાજકોટ-
રાજકોટ શહેરનાં આમ્રપાલી બ્રીજ પાસે જ માસ્ક મુદ્દે પોલીસે રોકતા રસ્તા પર બેસી દંપતિએ વિરોધ પ્રગટ કર્યો હતો. અને કહ્યું હતું કે, ભાડું ભરવાના અને ખાવાનાં રૂપિયા નથી, અને તમે દંડ વસુલો છો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસેથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ત્યાં ઉભેલા પોલીસ જવાનોએ તેમને માસ્ક મુદ્દે રોક્યા હતા. માસ્ક મામલે પોલીસે દંપતીને દંડ ભરવા જણાવ્યું હતુ. ત્યારે દંપતીએ તેનો વિરોધ કર્યો હતો અને બંને રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ સાથે તેમની થોડી રકઝક પણ થઈ હતી. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉભા રહેલા લોકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રાજકોટમાં બનેલી આ ઘટના કોઈ પહેલી વખત નથી, અગાઉ પણ આવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોને પોતાના કામકાજ માટે બહાર નીકળવાનો સમય થાય ત્યારે જ પોલીસ દંડ વસુલતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.