વડોદરા-

વડોદરા ની દીકરી નિશાકુમારીએ હિમાલયના બરફસ્તાન માં કોરોના ની રસી લેવાની લોક જાગૃતિ કેળવવા રાઇડ ફોર નેશન રાઈડ ફોર વેક્સિનેશન સાયકલ યાત્રાનું નેતૃત્વ કરીને શહેરને ગૌરવ અપાવ્યું છે.આ સાયકલ યાત્રામાં વિવિધ સ્થળોના 13 સાહસિકો જોડાયાં હતાં.સાહસ પ્રવૃત્તિઓ નું સંચાલન કરતી પાલનપુર ની રીબર્થ એડવેન્ચર સંસ્થાએ તેનું આયોજન કર્યું હતું. નિશાકુમારી અને સાયકલ સાથીઓ એ લેહમાં 50 ફૂટનો વિરાટ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવા ની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી.લેહ થી ખરદુંગ્લા થી પરત લેહ ની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ એકલા કરી હિંમત નો દાખલો બેસાડ્યો હતો.

 તા.21 મી જૂનના રોજ રસીકરણ ને વેગ આપવા સાયકલ પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરી એ પ્રસ્થાન કરાવ્યું હતું.30 મી જૂને નિશા ખરદુંગ્લા ની એકલ યાત્રા થી પરત ફરી અને તેની સાથે આ સાહસ અભિયાન નું સમાપન થયું હતું. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ,પ્રશાસન અને બોર્ડર હેલ્થ ટીમે આ યાત્રીઓ ને જરૂરી સવલતો આપીને પ્રોત્સાહિત કરી હતી. આ ટીમે રસી અભિયાન ને વેગ આપવા મનાલી,મહરી,તાંડી, જીપસા,ઝિંઝિંગ બાર,સાર્ચું,વિસ્કી નાલા,સોકર, લટો અને લેહ ની મુલાકાત લીધી હતી.દરેક સ્થળે લોકોએ આ રસીકરણ નો સંદેશ લઈને આવેલા સાહસિકો ને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો

  લેહમાં એડીએમ એ આ ટીમને અંદરુની વિસ્તારમાં પ્રવાસ અને 3 દિવસ ના રોકાણની ખાસ પરવાનગી આપી હતી. સંસ્થા સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે,તેમની સંસ્થા વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને પ્રકૃતિ પ્રેમનું સિંચન કરવા ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પ,નેચર ટ્રેલ જેવા કાર્યક્રમો યોજે છે.હિમાલયના બર્ફીલા પ્રદેશમાં સાયકલ યાત્રા પ્રથમવાર યોજવામાં આવી હતી.તેમનું કહેવું છે કે,વડોદરાની દીકરીએ આટલા લાંબા અને બર્ફીલા પ્રદેશમાં સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે. નિશાકુમારી ની સાહસિકતા,ધગશ અને ઉત્સાહની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું કે,તેની અભિલાષા એવરેસ્ટ સહિત ત્રણ બર્ફીલા પહાડો એક સાથે સર કરવાની છે જેનો મહાવરો હાલમાં હિમાલયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાઈ ને કરી રહી છે. કોરોના ની રસી ની અગત્યતા સમજાવવા હિમાલય ખુંદવાના આ જજબા માટે નિશા અને તેના સાથી સહયોગીઓ અને રીબર્થ એડવેન્ચર સંસ્થા સલામી ને પાત્ર છે.