ભાવનગર સિહોર તાલુકાના મોટા સુરકા ગામે રહેતા એક યુવકે ગઈ રાત્રીના તેના મામાને વ્હોટ્‌સ એપમાં જીંદગીનો અંત આણવાનો મેસેજ કરી તળાવમાં ઝંપલાવ્યું હતું. જે બાદ આજે સવારે ભાવનગર ફાયરની ટીમ દ્વાર યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.મોટા સુરકા ગામે રહેતા કૌશલભાઈ કનૈયાલાલ નિમ્બાર્ક(ઉ.વ.આશરે ૨૫)એ ગત રાત્રીના ૬.૪૪ કલાકે ભાવનગર રહેતા તેના મામા રાજુભાઈને વ્હોટ્‌સએપમાં ‘મામા, હું જીવનનું છેલ્લું પગલું ભરવા જઈ રહ્યો છું’ તેવો મેસેજ કરી મોટા સુરકા ગામે આવેલા વળાવડ તળાવમાં ડુબી જઈ આપઘાત કરી લીધો હતો.જે બાદ તેના મામાએ રાત્રે ૮ વાગ્યે મોબાઈલ ડેટાઓન કરતા ભાણેજનો આવો મેસેજ જાેઈને દોડતા થયાં હતા. તપાસ કરતા મોટા સુરકા ગામના તળાવ પાસે કૌશલની બાઈક મળી આવી હતી. જે બાદ તંત્રને જાણ કરવામાં આવતા ભાવનગર ફાયર ફાઈટરના સ્ટાફે સવારે સ્થળ પર પહોંચી એક કલાક કામગીરી કર્યાં બાદ યુવકનો મૃતદેહ સવારે ૯ વાગ્યે બહાર કાઢી તેના પરિવારને સોંપ્યો હતો. મળતી વિગતો પ્રમાણે મૃતક યુવકે સાંજે મામાને વ્હોટ્‌સએપમાં મેસેજ કર્યાં બાદ મોબાઈલ, બાઈકની ચાવી અને પાકિટ સાથે પાણીમાં કુદી ગયો હતો અને તેનું વ્હોટ્‌સએપ લાસ્ટસીન ૬.૪૬ હતું.સિહોર ટાણા રોડ પર યુવકના પરિવારે એક દુકાન લીધેલી હતી જ્યાં તે નોવેલ્ટીનો બિઝનેસ શરૂ કરવાનો હતો. આગામી લાભપાંચમના દિવસે તેની આ દુકાનનું મુહર્ત હતું પરંતુ યુવકે આકસ્મિક પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થયો હતો. મળતી વિગતો પ્રમાણે મૃતક યુવકના પિતા કનૈયાલાલ નિવૃત્ત શિક્ષક હતા. જ્યારે માતા હર્ષાબેન ગૃહિણી હતી. તેને એક દિપાલીબેન નામની એક બહેન પણ હતી. જેનું ૧૦ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.