રાયગઢ-

મુંબઈથી 170 કિલોમીટરના અંતરે આવેલા રાયગઢમાં માત્ર 10 વર્ષ જૂની પાંચ માળની એક ઈમારત અચાનક કડડભૂસ થઈ હતી. કુલ 45 ફ્લેટ ધરાવતી બિલ્ડીંગના કાટમાળમાં અસંખ્ય લોકો ફસાયા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમોએ સ્થળ પર તુરત જ યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.

મંગળવાર રાત સુધી મૃત્યુઆંક 10 હતો જે વધીને બુધવાર સવાર સુધીમાં 15 સુધી પહોંચી ગયો છે. મંગળવારના રોજ કાટમાળના ડુંગરમાંથી બચાવ ટુકડીઓએ 20 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ એક ચાર વર્ષના બાળકને ધૂળથી લથપથ હાલતમાં ઉગારી લીધો હતો. હજી પણ એક વ્યક્તિ લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે. મંગળવારના રોજ મળી આવેલા મૃતદેહોમાં જીવીત મળી આવેલા બાળક મોહમ્મદ ભાબગીની 30 વર્ષીય માતા અને એક સાત વર્ષની અને બીજી બે વર્ષની બહેનનો સમાવેશ થાય છે. બાળક એક ફ્લેટના કાટમાળમાં એક કોર્નરમાંથી બેઠેલી અવસ્થામાં જીવતો મળ્યો હતો.