23, સપ્ટેમ્બર 2021
વડોદરા : ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો નોંધાયો હતો.સતત વધારા વચ્ચે બપોરે ૧૭ ફૂટે સપાયી પહોંચ્યા બાદ ધટાડો શરૂ થતા તંત્રએ રાહત અનુભવી હતી. રાત્રે વિશ્વામિત્રીની સપાટી ધટીને ૧૫ ફૂટ થઈ હતી. જ્યારે આજવાની સપાટી ૨૦૯.૩૫ ફૂટ નોંધાઈ હતી. હાલોલ, વાધોડિયા સહિત તાલુકાઓમાં થયેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી ગત રાતે ૮ઃ૦૦ વાગે ૧૨ ફૂટ હતી. તે આજે સવારે વધીને ૧૫.૫૦ ફૂટ થઈ હતી. અને બપોરે ૧૭ ફૂટે પહોંચ્યા બાદ ધટાડો શરૂ થયો હતો,વડોદરાની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નદીની સપાટીમાં વધારો થયો હતો. જાેકે આજે સવારથી જ વરસાદ બંધ હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.રાત્રે સપાટી ધટીને ૧૫ ફૂટ થઈ હતી.
જાેકે નદીની ભયજનક સપાટી ૨૬ ફૂટ છે, અને તેનાથી લેવલ ઘણું ઓછું હતુ. જ્યારે શહેરને પીવાનુ પાણી પૂરૂ પાડતા આજવા સરોવરની સપાટી પણ વધીને ૨૦૯.૩૫ ફૂટ થઈ હતી.આમ ચોમાસાની રૂતુ પુરી થવાની લગભગ તૈયારી છે. ત્યારે કહી શકાય કે પાછોતરો વરસાદ સારો રહેતા ખેડૂતો તેમજ તંત્રએ નદી,નાળા, તળાવોમાં પાણીની સારી આવક થતા રાહત અનુભવી છે.