દેશના સૌથી વધુ દર્શનાર્થી 10 મંદિરનો અભ્યાસ કરી રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરાઈ 
24, જુલાઈ 2020

દિલ્હી-

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનવા જઈ રહેલ રામમંદિરનું ભૂમિ પૂજન ૫ ઓગસ્ટના રોજ થવાનું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સામેલ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંતિમ બેઠકમાં મંદિરની ડિઝાઈનમાં કરાયેલ અનેક બદલાવોને મંજૂરી મળી છે. હવે મંદિરની ઉંચાઈ 20 ફીટ વધારીને 161 ફીટ કરવામાં આવી છે. આ માહિતી મંદિરની ચીફ આર્કિટેક્ટે આપી છે. તો રામમંદિરના શિલ્પકાર આશિષ સોમપુરાએ મંદિર સાથે જાેડાયેલી અન્ય બાબતોનો ખુલાસો કર્યો હતો. રામમંદિરના શિલ્પ કાર આશિષ સોમપુરાએ જણાવ્યું કે, અયોધ્યામાં જે મંદિર બનશે, તે નાગાશૈલીનું મંદિર નિર્માણ પામશે.

મંદિરના બનાવટમાં કુલ 350 પિલ્લર પર મંદિર આકાર લેશે. મંદિર ત્રણ માળનું રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર પર રામ લલ્લાનું મંદિર હશે. પ્રથમ ફ્લોર પર રામ દરબાર અને સેકન્ડ ફ્લોર ખાલી રહેશે. મંદિરને મજબૂતાઇ આપવા માટે ત્રીજાે ફ્લોર બનાવાયો છે. લાખો દર્શનાર્થીઓ આવવાની ધારણા સાથે મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર વધારવામાં આવ્યો છે. દેશના વધારે દર્શનાર્થીઓ ધરાવતા 10 મંદિરનો અભ્યાસ કરી ડિઝાઇન બનાવાઇ છે.

તેમણે વધુમાં કહ્યુ કે, સાડા ત્રણ વર્ષમાં આ મંદિર નિર્માણ પામશે. રામ મંદિરમાં પ્રદક્ષિણાનો માર્ગ બહાર જ બનાવાયો છે. મંદિરની કોતરણીમાં વિષ્ણુના દશાવતાર રામ જીવન લીલા જાેવા મળશે. શિલ્પ શાસ્ત્રોના નિયમ પ્રમાણે મંદિર બનશે. કુલ પાંચ ઘુમ્મટ સાથેના મંદિરનું નિર્માણ કરવામા આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution