ગાંધીનગર, રાજ્યમાં એક તરફ કોરોનાની મહામારીએ માઝા મૂકી છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું છે. ત્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે જામનગર જિલ્લાના તાલુકાના લતીપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દરવાજે તાળાં લાગેલા જાેવા મળ્યા હતા. જે અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, સરકારે તાયફાઓ બંધ કરીને સત્ય સ્વીકારવું જાેઈએ. એટલું જ નહિ વિપક્ષના નેતાએ એમ જણાવ્યુ હતું કે, આ ગામમાં કોરોનાની સારવારના અભાવે ૧૩૦ જેટલા ગ્રામજનોના મોત પણ નિપજ્યાં હોવાનો દાવો કર્યો હતા.

ગુજરાત રાજ્ય લાંબા સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વધારે જાેવા મળ્યો છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી ડોકટરો, નર્સો, મેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં સરકારે ધ્યાન ન આપ્યું તેમજ કોરોના વેક્સિન, દવાઓનો સ્ટોક, જરૂરી મેડિકલ સાધનો, વેન્ટિલેટર, ઓકસીજન સહિતની આરોગ્ય સુવિધાઓના અભાવ જેવી પૂરતી આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહેતા બેકાબુ થયેલ કોરોનાંથી દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

આવા સમયે વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમા સરકારી હોસ્પિટલોમાં રૂબરૂ મુલાકાતો કરીને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યા છે. આ સાથે દર્દીઓને રૂબરૂ મળીને તેમને મળતી સારવાર અંગેની માહિતી પણ મેળવી રહ્યા છે. ગઈકાલે કચ્છનાં ભુજ અને ગાંધીધામ ખાતે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. જ્યારે આજે મોરબીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇને જામનગર જતા સમયે ધ્રોલ તાલુકાના લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. જાે કે આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દરવાજે તાળાં જાેવા મળ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજર રહીને તેમને પડતી મુશ્કેલીઓ જણાવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ લતીપુર ગામમાં કોરોના બેકાબુ બનેલ છે, એટલું જ નહિ કોરોનાની સારવારનાં અભાવે ગામમાં ૧૩૦થી વધુ વ્યક્તિના મોત પણ થયેલા છે.