09, ઓક્ટોબર 2024
નરેશ અંતાણી |
દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધિશનું પ્રખ્યાત મંદિર આવ્યું છે. તેને જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર રપ૦૦ વર્ષ જૂનું છે. કથાનકોમાં ઉલ્લેખાયા મુજબ ભગવાન શ્રીકૃષ્ણની સ્મૃતિમાં તેમના પુત્ર અનિરુદ્ધના પુત્ર વ્રજનાથે હરિગૃહ બંધાવ્યું હતું. આ પછી તેમના વંશજાેએ જ્યારે મૂર્તિ પૂજા પ્રચલિત બની ત્યારે આ હરિગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. આ જગત મંદિર ત્રણ ભાગમાં વહેચાયેલું છે. પૂજાનું મંદિર, નીજ મંદિર એટલે કે પ્રક્ષાગાર, સભાગૃહ અને શિખર. હિન્દુ સ્થાપત્યશૈલીના ભવ્ય નમૂનારૂપ આ મંદિરમાં પાંચ માળ છે અને પાયાથી શિખર સુધી અદ્ભુત કલાત્મક કોતરણી છે. મંદિરનું શિખર ૧પ૭ ફૂટની ઊંચાઈએ આવ્યું છે.૭ર જેટલા વર્તુળાકાર સ્તંભો સભાગૃહની શોભા વધારે છે.
દ્વારકા નજીકના સમુદ્રમાં શ્રીકૃષ્ણનો મહેલ હોવાનું કહેવાય છે. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ દ્વારા સંશોધન કરવામાં આવતાં સમુદ્રના પેટાળમાંથી પથ્થરના મહેલના નમૂનાઓ મળી આવ્યા છે જે આ સ્થાનની ઐતિહાસિકતા અને પ્રાચીનતા પુરવાર કરે છે. મધ્યયુગમાં આ સ્થાન એક વિશાળ બંદર હોવાના પણ પ્રમાણો મળે છે.
દ્વારકાથી ૩ર કિલોમીટરના અંતરે આવેલ બેટ દ્વારકા તરીકે ઓળખાતું સ્થાન બેટ શંખોદર પણ કહેવાય છે જે દ્વારકા જેવું જ મહત્વનું ધાર્મિક સ્થાન છે. દ્વારકાથી ૧ર કિલોમીટર દૂર સ્થિત નાગેશ્વર મહાદેવ ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ ઉપરાંત ગોપી તળાવ પણ અહીંનું દર્શનિય સ્થાન છે. બેટ દ્વારકા જતાં માર્ગમાં દ્વારકા અને ઓખા વચ્ચેના ઓખા મંડળ તરીકે જાણીતા સમગ્ર વિસ્તારમાં અનેક પ્રાચીન દર્શનિય મંદિરો આવ્યા છે.
દ્વારકાથી ઉત્તરે દોઢ કિલોમીટર દૂર રૂપેણ બંદર તરફ જતા માર્ગમાં ભાગિરથી ગંગાને નામે ઓળખાતી દરિયાઈ ખાડીના કિનારે રુકમણીનું પશ્ચિમાભિમૂખ સુંદર મંદિર આવ્યું છે. સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર ૧૦મી કે ૧૧મી સદીમાં બંધાયું હોવાનું કલ્યાણરાય જાેશી નોંધે છે. આ મંદિર ભીમદેવ સોલંકીએ ઈ.સ. ૧૦ર૦ કે ૧૦૩૪ના અરસામાં બાંધ્યું હોવાનું પણ તેઓ માને છે. મહમદ બેગડાએ ઈ.સ. ૧૪પ૯માં આ મંદિર તોડયું હતું. ૮ર ફૂટ લાંબા, ૪પ ફૂટ પહોળા અને ૬ ફૂટ ઉંચા પ્લેટફોર્મ પર તેનું નિર્માણ કરાયું છે. તેમાં સોળ સ્તંભનો ગર્ભમંડપ છે.
વિષ્ણુપીઠ હોય ત્યાં શકિતપીઠ હોય જ છે. જેને પરિણામે સમગ્ર ઓખામંડળ શાકતોનું ધામ હશે એમ માની શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે રુકમણીના મંદિરના દર્શન વગર દ્વારકાની યાત્રા અધૂરી કહેવાય છે.
શાકત સંપ્રદાય પ્રમાણે દેવીની બાવનમી પીઠ દ્વારકામાં હતી અને રુકમણી તેની અધિષ્ઠાત્રી દેવી હતી. શાકત સંપ્રદાયના તંત્રમાર્ગની ઉપાસનાનું આ સ્થાન મુખ્ય ધામ હશે એમ અહીંના સ્થાપત્યોના આધારે પુરતત્વવિદો અનુમાન કરે છે.
દ્વારકામાં એક કુંડ પાસે પ્રાચીન સૂર્ય મંદિર આવ્યુૃ છે. કુંડના પૂર્વ ભાગે ર૦ ફૂટની જગ્યા પર ઓટલો ચણીને આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આજથી અંદાજે એકસો વર્ષ અગાઉ આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો હોય અને પછી એમાં સૂર્યની તથા રાંદલની આરસની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે અને કુંડની મરામત કરવામાં આવી છે. આ મંદિર સોલંકી કાળનું પ્રાચીન સૂર્ય મંદિર હોવાનું માનવામાં આવે છે.
ઓખા મંડળમાં આવેલા અન્ય મંદિરોની વાત કરીએ તો ધ્રાસણવેલનું મગ દેરું તરીકે જાણીતું મંદિર સપ્તાયન પ્રકારનું છે. મંદિરની બહારની દિવાલો સાદી છતાં આકર્ષક છે. મંદિરના સ્તંભો પણ સાદા અને ચોરસ ઘાટના છે. આ મંદિર પણ પ્રાચીન સૂર્યમંદિર છે અને સોલંકીકાળનું એક મહત્વનું સ્થાપત્ય છે.
પીંડારા મંદિર સંકુલ પણ ધ્યાનાકર્ષક છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા આ મંદિર સમુહનો નિર્માણકાળ મૈત્રક–સૈધવ સમય સાતમીથી દશમી સદીનો હોવાનું ડો. જે.એમ. નાણાવટી તથા મધુસુદન ઢાંકીનું માને છે. આ મંદિરોનો સમુહ દ્વારકાથી ૧૭ કિલોમીટર દૂર છે.
પિરામીડ આકારના શિખર ધરાવતાં આ મંદિરો આઠમી સદીના મધ્યકાળમાં સૈધવકાળમાં બાંધવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૯૬પના વર્ધામાં અહીં કરાયેલા સંશોધન દરમ્યાન મોટી સંખ્યામાં શિલ્પો અને સિકકાઓ વગેરે મળી આવ્યાં હતા. સ્થાનિક લોકો આ સ્થાનને દુર્વાસા ૠષિ સાથે સાંકળે છે આથી તેને અહીંના લોકો દુર્વાસા ૠષિના આશ્રમ તરીકે પણ ઓળખે છે.
મંદિરના બારશાખ પર શિવ–પાર્વતીનું શિલ્પ ધરાવતી પટ્ટી છે. ત્રણ નંબરનું મંદિર નાના કદનું છે. જે ચોરસ આકારનું છે. તેની છત ઘસાઈ ગઈ છે. આ મંદિર પણ નાના સ્તંભો પર ટેકવેલો મંડપ ધરાવે છે. પીંડારાના મંદિરોનો સમુહ પુરાતત્વરસિકો માટે દર્શનિય સ્થાન જરુર છે.