વડોદરા, તા.૧૮ 

સાવલી તાલુકાના નરપુરા ગામે એક મહિલાને ઝેરી સાપે ડંખ મારતાં પરિવારજનોએ પકડીને પ્લાસ્ટિકની બોટલમાં પૂરી તરત જ ભૂવા પાસે લઈ ગયા હતા. પરંતુ ભૂવાએ હાથ અધ્ધર કરતાં પરિવારજનો મહિલાને ગોત્રી ખાતેની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, સાથે સાપને પણ પ્લાસ્ટિકની બોટલમાં લઈ આવ્યા હતા. આ અંગેની જાણ કરાતાં વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરો સાપને રેસ્કયૂ કરીને લઈ ગયા હતા.

ચોમાસાના પ્રારંભ સાથે સરિસૃપો બહાર નીકળવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે સાવલી તાલુકાના નરપુરા ગામમાં રહેતા લક્ષ્મીબેન પરમારને સોમવારે બપોરે ઝેરી મનાતા કાળોતરા સાપે ડંખ માર્યો હતો. સાપ કરડતાં લક્ષ્મીબેને બૂમરાણ મચાવતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને ડંખ મારીને ભાગી રહેલા સાપને લાકડીથી અધમૂવો કરી પકડીને પ્લાસ્ટિકની બોટલમાં પૂરી દીધો હતો.

જ્યારે મહિલા અને બોટલમાં પૂરેલા સાપને લઈને ભૂવા પાસે લઈ ગયા હતા, પરંતુ ભૂવાએ મહિલાની હાલત જાેઈને હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. જેથી પરિવારજનો આંકલાવની હોસ્પિટલમાં ગોત્રી ખાતેની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, સાથે કયો સાપ કરડયો છે તે બતાવવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મૂકેલો સાપ પણ લઈ આવ્યા હતા. તબીબોએ તરત જ મહિલાની સારવાર શરૂ કરી હતી.

જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવેલા સાપની જાણ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટને કરાતાં અરવિંદ પવાર તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને સાપને રેસ્યકૂ કરીને લઈ ગયા હતા. કાળોતરો એટલે કોમન ક્રેટ સ્નેક ગોત્રી, વાઘોડિયા, મકરપુરા, સમા, વિશ્વામિત્રી વગેરે વિસ્તારોમાં જાેવા મળે છે.