ગોકુલનગર વિસ્તારમાં રહેતો પરિવાર અચાનક લાપતા થતાં ચકચાર મચી ગઈ
22, માર્ચ 2022

જામનગર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો પાંચ સભ્યોનો એક પરિવાર અચાનક ઘર બંધ કરીને ગુમ થઇ ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે જામનગરના ગોકુલનગર રડાર રોડ ઉપર નવાનગર શેરી નં.૫માં આવેલ પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત (ઉ.વ.૫૨) નામના બાવાજી આધેડ, તેમના પત્ની શિલ્પાબેન નિમાવત (ઉ.વ.૪૫) તેમની પુત્રી કિરણબેન (ઉ.વ.૨૬), પુત્ર રણજીત (ઉ.વ.૨૪) અને કરણ (ઉ.વ.૨૨) ગત તા.૧૧ માર્ચના રોજ પોતાના ઘરેથી અચાનક લાપત્તા થઇ ગયા હતા.

આ અંગે સીટી સી ડિવિઝન પોલીસે ગુમનોંધ દાખલ કરી છે અને હેડ કોન્સ.ડી.પી.ગોસાઇ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ગુમ થયેલ પરિવારજનોના મોબાઇલ ફોન પણ બંધ હોવાથી તેમનો કોઇ સંપર્ક થઇ શકયો નથી. પ્રાથમિક તપાસમાં દંપતિ ગોકુલનગર નજીક બજરંગ ડાઇનીંગ હોલ નામની રેસ્ટોરન્ટ ચલાવતા હતા. જાે કે આ ડાઇનીંગ હોલ તેઓ ભાડેથી ચલાવતા હતા.તેઓએ લોન પણ લીધી હતી પરંતુ આર્થિક સંકળામણને લીધે લોન ભરપાઇ કરી શકતા ન હતા. આ જ કારણે આ પરિવાર જામનગર છોડી લા-પત્તા થઇ ગયાની આશંકા જાગતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution