ભચાઉ,ભચાઉ તાલુકાના કબરાઉ ગામ સામે આવેલી સરકાર હસ્તકની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય કિશોર છેલ્લા ૬ દિવસથી ગુમ થયો છે. જે અંગેની ગુમનોંધ પરિજનોએ ભચાઉ પોલીસમાં કરાવી હતી. પરંતુ એક સપ્તાહનો સમય થવા આવ્યો છતાં લાપતા કિશોરનો હજુ સુધી કોઈ પત્તો મળી શક્યો નથી. શ્રમજીવી પરિવારના એકનાએક પુત્રને શોધી આપવા અનુસૂચિત જ્ઞાતિના લોકો દ્વારા ભચાઉ પોલીસ મથકમાં આજીજી કરવામાં આવી રહી છે અને પરિજનો સાથે મોટી સંખ્યમાં સમાજનાં ભાઈઓ બહેનો ધરણા પર બેસી ગયા છે. ખાસ કરીને ગુમસુદા પુત્રની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાનો દાવો ઉપસ્થિત અગ્રણીઓએ કર્યો છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠી છે. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો પુત્ર ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને લઇ કબરાઉ નજીકની આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતો હતો. પાર્થ રૂપેશ મકવાણા નામનો કિશોર ગત તા. ૬થી લાપતા બન્યો છે. કિશોરની શોધખોળ માટે પરિવાર અને સમાજના અગ્રણીઓ , સ્નેહીજનો દ્વારા પોલીસમાં નોંધ કરાવ્યાની સાથે ખાનગીરાહે પણ શોધ આદરી હતી. દરમિયાન ગુમસુદા કિશોરના પરિજનો દ્વારા ગઈકાલથી ભચાઉ પોલીસ મથકે ધરણા પર બેસી કિશોરને શોધી આપવા આજીજી કરી રહ્યા છે.