બિચ્છુગેંગ ૨૬ સામે ‘ગુજસીટોક’ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો ૧૨ની ધરપકડ અસલમ બોડિયા સહિત ૧૪ વોન્ટેડ
21, જાન્યુઆરી 2021

વડોદરા : શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા સમયે ગુનાખોરી આચરી આતંક ફેલાવતી બિચ્છુગેંગના ૨૬ સામે કડક મનાતા ‘ગુજસીટોક’ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કામગીરી કરી ર૬ પૈકીના ૧૨ સાગરિકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના ડરથી બિચ્છુગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. માથાભારે ગુનેગારોને સબક શીખવાડવા અને ગુનાખોરી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજસીટોક’નો કાયદો અમલમાં લવાયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ‘ગુજસીટોક’ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે પરંતુ વડોદરામાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો. 

દરમિયાન તાજેતરમાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે મોપેડ પર આવેલ ત્રણ શખ્સોએ ચપ્પુની અણીએ બે લોકોને લૂંટી લીધા હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ બનાવમાં પોલીસે બિચ્છુગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહંમદસિદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરી હતી, જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઈનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહી છે.

શહેરના જાેઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા અને ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બિચ્છુગેંગ સામે વડોદરામાં ૧૯૯૮થી અત્યાર સુધીમાં ૬૨ ગુનાઓ નોંધાયા છે અને પોલીસે બિચ્છુગેંગના ૨૬ પૈકી ૧૨ સાગરિતોની ધરપકડ કરી છે અને અસલમ બોડિયાને પકડવા માટે અમે ટીમો બનાવી છે અને તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અસલમ બોડિયાની બિચ્છુગેંગ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, રાયોટિંગ, ખંડણી, લૂંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે, ત્યારે બિચ્છુગેંગે ફરી માથું ઊંચકતાં પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે નવા અમલમાં મુકાયેલા ‘ગુજસીટોક’ હેઠળ બિચ્છુગેંગ સામે ગુનો નોંધ્યો હતો અને ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બિચ્છુગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

વોન્ટેડ આરોપીઓની યાદી

• અસલમ ઉર્ફે બોડિયો (નવાપુરા)

• અરુણ પ્રકાશ ખારવા (નવાપુરા)

• તનવીર ઉર્ફે તન્નુ સબ્બીરભાઈ મલેક (નાની છીપવાડ)

• અસ્પાક ઉર્ફે બાબા ઈકબાલભાઈ શેખ (યાકુતપુરા)

• અજરુદ્દીન ઉર્ફે અજ્જુ ઈસ્માઈલ ઉર્ફે અલ્લુ શેખ (યાકુતપુરા)

• મહંમદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તડબૂચ જાકીર હુસેન શેખ (નવાપુરા)

• શાકીર ઉર્ફે ચુરમશહુર રહેમાન શેખ (અજબડી મિલ)

• ઈરફાન ઉર્ફે ખન્ના નબીભાઈ શેખ (યાકુતપુરા અજબડી મિલ)

• મહંમદ ઈર્શાદ ઉર્ફે હીરો વારીસઅલી શેખ (યાકુતપુરા)

• અતીક સફદર હુસેન મલેક (યાકુતપુરા)

• શોએબઅલી ઉર્ફે બાપુ યુસુફઅલી સૈયદ (યાકુતપુરા)

• સુલતાન ઉર્ફે તાન સત્તારભાઈ મીશંશી (ફતેપુરા)

• મોહસીન ઉર્ફે ડોન ઝહીરમિયા શેખ (નાની છીપવાડ)

• શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણ (યાકુતપુરા)

અન્ય ગેંગ પર વોચ ઃ કોરડિયા

શહેરમાં ગુના આચરી અન્ય ગેંગના ટપોરીઓને પણ ટૂંક સમયમાં જ ઝડપી પાડી કડક કાર્યવાહી કરાશે એમ સંયુકત પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ જણાવ્યું છે. પોલીસની રડારમાં હાલ અન્ય ગેંગસ્ટરો પણ છે જેમાં ગોરવાનો રાજુ બેટરી, રફિક રાઠોડ, નવાયાર્ડનો દિલીપ કેરી, બબલુ, જે.પી. રોડ, ગોત્રીનો રઘુ ભરવાડ, નવઘણ ભરવાડ, અકોટાનો મુનાફ શેખ, માંડવીનો લાલુ અંડા, પાણીગેટનો ચાર્મિસ કહાર, છાણીનો હરદીપ ઠાકુર, કલ્પેશ દલસાણિયા, ફતેગંજનો લતીફ, વારસિયાનો હરજાણી ગેંગ, સયાજીગંજનો રફિક ફિરોજ, મચ્છીપીઠનો ગની, કલ્પેશ કાછિયા, મુન્ના તડબુચ, હસન સુન્ની જેવા તત્ત્વો ઉપર પોલીસની નજર હોવાનું ઉમેર્યું હતું.

 બિચ્છુગેંગનો ખાત્મો બોલાવીશું જયદીપસિંહ જાડેજા

ડીસીપી ક્રાઈમ બ્રાન્ચના જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતંુ કે બિચ્છુગેંગનો ખાત્મો બોલાવીને જ ક્રાઈમ બ્રાન્ચ જંપશે. ફતેગંજના બનાવ બાદ બિચ્છુગેંગના કારનામાઓની તપાસ કરતા મોટી સંખ્યામાં ગુનાઓ બહાર આવ્યા હતા. જેમાં સૂત્રધાર અસલમ બોડિયા સામે ૬૨ ગુનાઓ છે અને ૯ વાર પાસામાં જઈ ચૂકયો છે. ર૬ સામે ગુનાઓ નોંધાયા છે એ બધા જ અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. આગામી દિવસોમાં શહેરમાંથી ગુનાખોરી ખતર કરવા માટે અન્ય ગેંગ અને ટપોરીઓને પણ શોધી ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જાડેજાએ ઉમેર્યું હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી

મહંમદતૌસીફ ઉર્ફે બલ્લુ (યાકુતપુરા), ઈર્શાદઅલી ઉર્ફે ખલી (યાકુતપુરા), મહંમદ ઈશાક ઉર્ફે લાલો (યાકુતપુરા), સુલતાન ઉર્ફે ટીપુ (ફતેપુરા ચાર રસ્તા), મહંમદ સાજીદ ઉર્ફે કટાર (ફતેપુરા) મોઈન ઉર્ફે બકરી (યાકુતપુરા), મહંમદનદીમ ઉર્ફે ભોલુ (યાકુતપુરા), હનીફ ઉર્ફે બાટલો (યાકુતપુરા), અશરફખાન (બસીરખાન) (યાકુતપુરા), તૌસિફ ઉર્ફે ભુરીયો (નાની છીપવાડ) રમઝાન ઉર્ફે કાલિયો (તાંદલજા), મહંમદ હનીફ ઉર્ફે અન્નુમિયા (યાકુતપુરા)નો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution