શ્રીનગર,

કાશ્મીરમાં જૂનો સમય પરત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્રણ દાયકા બાદ હવે ફરીથી કાશ્મીરમાં ફિલ્મ જાવા મળશે. સરકારે શ્રીનગરમાં પહેલાં મલ્ટીપ્લેક્સની મંજૂરી આપી દીધી છે. કાશ્મીરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ચલાવતા તથા ટક્સાલ હોસ્પિટલના ડિરેક્ટર વિજય ધરના પરિવારને મલ્ટીપ્લેક્સનું લાઈસન્સ મળ્યું છે. ૯૦ના દાયકામાં આતંકવાદીઓએ કાશ્મીરમાં થિયેટરને ઈસ્લામ વિરોધી ગણાવીને બંધ કરાવી દીધા હતાં અને કેટલાંક થિયેટર આર્મીએ લઈ લીધા હતાં. ધર પરિવારે માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરના મલ્ટીપ્લેક્સ માટેની પરવાનગી માગી હતી. જમીન તથા બિલ્ડિંગની તપાસ બાદ શ્રીનગર વહીવટી તંત્રે મંજૂરી આપી દીધી હતી.

દક્ષિણ શ્રીનગરના મામલતદારે ૧૮ મરલા (૪૯૦૦ સ્કેવર ફુટ) તથા ૬૪ સ્કેવરફુટ જગ્યાનો સર્વે કર્યો હતો. વિજય ધર બે પુત્રો વિકાસ ધર તથા વિશાલ ધર સાથે સોનાવર વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ચલાવે છે. તેઓ શ્રીનગરના પોશ વિસ્તાર ગુપકાર રોડ પર રહે છે. કેન્ટોન્મેન્ટ બોર્ડે પણ મંજૂરી આપી છે. પÂબ્લક વર્ક્સ ડિપાર્ટમેન્ટે મલ્ટીપ્લેક્સની બિલ્ડિંગનું નિરીક્ષણ પણ કર્યું છે. પાંચમાંથી બે માળ બનીને તૈયાર છે. પાંચ માળની બિલ્ડિંગમાં બે થિયેટર હશે. આ બિલ્ડિંગની ભૂકંપીય ક્ષમતાની તપાસ થશે. ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટરે બિલ્ડિંગમાં ફાયરના સાધનો લગાવવાનું કહ્યું છે. સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ હેઠળ શ્રીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર લાઈસન્સ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં રીગલ, પેલેડિયમ, ખાયમ, ફિરદૌસ, શાહ સિનેમા, નીલમ, શિરાઝ, તથા બ્રોડવે જેવા થિયેટર હતાં.