રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા આજે વર્ચ્યુઅલ લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જે રાજકોટ સહિત રાજ્યમાં પણ પહેલી આ પ્રકારની ઘટના કહી શકાય છે. જેમાં પ્રથમ વખત કોઈ મનપાના વિપક્ષી નેતા દ્વારા વર્ચ્યુઅલ રીતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો.

રાજકોટમાં મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા જુલાઈ માસના દર ગુરુવારે વચ્ર્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નો ઉકેલવા જાહેરાત કરવામાં આવી છે. જેને સંદર્ભે આજે ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે વચ્ર્યુઅલ લોકદરબાર યોજાયો હતો. જેમાં ફક્ત ૩૦ મિનીટમાં જ ૩૨ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાઈ હતી.

આ અંગે ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, આજે ગંદકી, કચરો, સાફસફાઈની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે. તેમજ વરસાદી પાણી ભરાવા, રોડ-રસ્તામાં ખાડા, ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવા માટે, પીવાના પાણી સમયસર ન મળવા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન પરીક્ષા ન કરવા, ગટરના ઢાંકણા નાખવા સહિતની અલગ અલગ ૩૨ ફરિયાદો નોંધાઈ હતી.

વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના અમુક નાગરિકો ટેકનિકલ ઈશ્યુના કારણે વચ્ર્યુઅલ લોકદરબારમાં જાેડાય શક્યા ન હતા તે નગરજનો અમોને ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે. જેથી સત્વરે નિકાલ થાય અને રાજકોટ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે મળી રહે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.