ગાંધીનગર   ગુજરાત વિધાનસભામાં આજે બે વખત હોબાળો થયો હતો. જેમાં પહેલી વખત તમારા દાદાઓના મામલે હોબાળો મચતા ૨૨ મિનિટ માટે ગૃહ મુલતવી રાખવું પડ્યું હતું. જયારે બીજી વખત ભાજપના રાજમાં પણ શહેરો કોના નામે ઓળખાય છે? તેવું કહેતા ભારે હંગામો મચ્યો હતો. જેના કારણે હંગામો મચ્યા બાદ કોંગ્રેસના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.આજે વિધાનસભામાં પ્રશ્નોતરી સમય સમય દરમિયાન  આણંદ અને ખેડા જિલ્લામાં એમબીબીએસ ડોક્ટરોની નિમણુકના સવાલમાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે આણંદ જિલ્લામાં ત્રણ ત્રણ વખત ખાતમુહુર્ત કરવા છતાં હજુ સુધી સિવિલ હોસ્પિટલ બની નથી. જેના કારણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ઉભા થઈને એવો આક્ષેપ કર્યો હતો તમારા દાદાઓએ અહી બેસીને ગપ્પાં માર્યા હતા.

રાજ્યના નાયબ મુખ્યમંત્રીના આવા નિવેદનને લઈને કોંગ્રેસના સભ્યોએ વિરોધ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે ગૃહમાં મારે હંગામો મચી ગયો હતું. જેના કારણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહને ૨૨ મિનિટ માટે મુલતવી રાખવું પડ્યું હતું.વિધાનસભાનું ગૃહ ૨૨ મિનિટ બાદ ફરી શરુ થયું હતું.

ફરી શરૂ થયેલા ગૃહમાં ગૃહ વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ભૂતકાળને વાગોળીને કહ્યું હતું કે, અગાઉ વડોદરા રાજુ રિસાલદારના નામે અને અમદાવાદ લતીફના નામે ઓળખાતું હતું. હર્ષ સંઘવી બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના પ્રવચનમાં એવું નિવેદન કર્યું હતું કે, ભાજપના રાજમાં પણ શહેરા, વડોદરા, કુતિયાણા, પોરબંદર, દ્વારકા જેવા શહેરો કોના નામે ઓળખાય છે? તે સૌ કોઈ જાણે છે. અમિત ચાવડાના આ નિવેદનથી શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ ઉભા થઇ ગયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉભા થઈને જેઠા ભરવાડને ટકોર કરીને કહ્યું હતું કે, ‘તમે કેમ બંધબેસતી પાઘડી પહેરો છો? અમિત ચાવડાના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો.આ હોબાળા બાદ કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યાર બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.