ગાંધીનગર

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ અભિયાન 31મે સુધી ચાલશે. આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જીવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

સુજલામ સુફલામ જળ અભિયાનના આ વર્ષના જે 18582 કામોનું આયોજન જળસંપતિ વિભાગે હાથ ધર્યુ છે, તેમાં લોકભાગીદારીથી 6323 તળાવો, ચેકડેમ, જળાશયો, ઊંડા ઉતારવા ડીસીલ્ટીંગ કરવાની કામગીરી કરાશે. આ હેતુસર 60 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 40 ટકા સ્વૈચ્છીક સંસ્થા કે દાતાઓ ઉપાડશે. એટલું જ નહિ, મનરેગા યોજના અંતર્ગત 6681 તળાવો અને ચેકડેમ ઊંડા કરવા તેમજ પરંપરાગત જળસ્ત્રોતોના નવિનીકરણ કામો, માટીપાળા-ખેતતલાવડીના કામો થકી અંદાજે 60 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન કરવાનું પણ માઇક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે.