બાલાસિનોર : દિવાળીના તહેવારો બાદ તાલુકામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતાં નવાં કેસોનું પ્રમાણ જાેવાં મળી રહ્યું છે, ત્યારે કોરોનાના કેસોનું પ્રમાણ વધવા ન પામે તેમજ સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે ડાયનાસોર ફોસીલપાર્ક વિકાસ સોસાયટી રેયોલી અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ડાયનોસોર મ્યુઝિયમને આગામી ૩૦મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર આર.બી.બારડની મૌખિક સૂચના મુજબ હાલમાં કોરોના વાયરસની પરીસ્થિતિને ધ્યાને લેતાં બાલાસિનોર તાલુકામાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તેમજ વધુ માણસો ભેગાં ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી આ તાલુકામાં આવેલાં ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝિયમને તા.૨૧થી તા.૩૦ સુધી બંધ રાખવા જણાવવામાં આવેલો છે. જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝિયમ ખુલ્લો નહીં રાખવા તથા આ પત્ર મળેથી તાત્કાલિક ધોરણે અમલવારી કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા વહીતંત્ર દ્રારા જિલ્લામાં આવેલાં કલેશ્વરી નાળ, વાવકુવા જેવા પ્રવાસન સ્થળો પણ હાલની પરીસ્થિતિને ધ્યાને લઇ બંધ રાખવામાં આવ્યા છે.