વડોદરા-

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોને સુવિધા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. કુબેરેશ્વરથી મલહારરાવ ઘાટ વચ્ચે બોટિંગ પોઇન્ટ, ફૂડ કોર્ટ, પૂજા સ્થળ, પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા સહિતના વિકાસના કામ બે ફેઝમાં કરવાના પ્રોજેક્ટની બ્લ્યુ પ્રિન્ટ પણ બની હતી. વડોદરા જિલ્લાના યાત્રાધામના નદીના કાંઠા વિસ્તારના વિકાસના કામ માટે ટેન્ડર પ્રક્રિયા કોરોના મહામારીના લોકડાઉનને કારણે અટવાઈ ગઈ હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયાસોને કારણે ચાંદોદ - કરનાળી નર્મદા નદીના કાંઠાના વિકાસને આખરે ગુજરાત સરકારની લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગ્રામ્યસ્તરના મોટા પ્રોજેક્ટનું ટેન્ડર ફાળવવામાં આવ્યું છે. ચાંદોદથી કરનાળી નર્મદા નદીના કાંઠાના વિકાસના લગભગ રૂ.39.02 કરોડના ટેન્ડરને ફાળવી દેવાયું છે. અંદાજીત રૂ. 48.92 કરોડના ટેન્ડરને 20.25 ટકાના ઘટાડા સાથે મંજૂર કરવામાં આવ્યું હતું. કરનાળી ઘાટના વિકાસનું કામ શરૂ કરવાનો હુકમ આપવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વડોદરાના કોન્ટ્રક્ટર મેહુલ જીઓ પ્રોજેક્ટસ એલએલપીને આગામી 10 દિવસમાં 2.5 ટકા સિક્યોરિટી ડિપોઝિટ પેટે રૂ.1.22 કરોડ અને 2 ટકા પરફોર્મન્સ બોન્ડ પેટે રૂ.2.44 કરોડ ભરવા તાકીદ કરવામાં આવી છે.