સરકાર વિદ્યાર્થીઆેને ટેસ્ટિગ કિટ સમજી રહી છે!?
23, નવેમ્બર 2020

આણંદ : દિવાળી પછી રાજયમાં કોરોના સંક્રમણ વિસ્ફોટ ફાટી નીકળ્યો છે. સરકાર અને આરોગ્ય વિભાગ સંક્રમણને અટકાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કફર્યુ લગાડવામાં આવ્યો છે. પોઝિટિવ અને શંકાસ્પદ કેસનો આંકડો વધી રહ્યો છે. આ માહોલની વચ્ચે વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. 

દૈનિક 1400થી વધુ કેસ મળી રહ્યાં છે. તેમ છતાં સરકારની ગાઇડ લાઇન મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ત્રીજા અને પાંચમાં સેમિસ્ટરની પરીક્ષા ઓફ લાઇન યોજીને વિદ્યાર્થીના સ્વાસ્થ્ય ચેડાં કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ કરીને સિન્ડીકેટ સભ્ય અને વિદ્યાર્થીઓએ ભેગાં મળીને યુનિ.ના વાઇસ ચાન્સેલર સાથે ડિબેટ યોજીને પરીક્ષા ન લેવા માટે અનુરોધ કર્યો હતો. 

તેઓએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને સેમિસ્ટરની પરીક્ષા લેવામાં આવી રહી હોવાથી તેનો સખત વિરોધ થઈ રહ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએસસી અને બીકોમ તમામ ફેકલ્ટીના ત્રીજા અને પાંચમાં સેમીસ્ટરની પરીક્ષા 23મી લેવાનો નિર્ણય કરાયો હતો.

સૂત્રોનું કહેવું છે કે, એસપી યુનિ.માં 70 ટકા ઉપરાંત વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા અને રાજયમાંથી અભ્યાસ માટે આવેલાં છે. આ વિદ્યાર્થીઓએ કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા આપવા માટે વિદ્યાનગર ખાતે દોડી આવવું પડ્યું છે. વિદ્યાર્થીઓના વાલીમાં પણ ચિંતાનો માહોલ છે. સરકારની ગાઇડલાઇનના નામે પરીક્ષા આપવા આવતાં વિદ્યાર્થીઓની ચકાસણી માત્ર ઓક્સિજન મશીન અને થર્મલ ગનના આધારે કરીને પરીક્ષાખંડમાં પ્રવેશ આવે છે. એક પરીક્ષા કેન્દ્ર પર 300થી 400 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોવાથી કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓના ટોળાં વળવાની સંભાવના છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની શક્યતા છે. 

સૂત્રોનું તો ત્યાં સુધી કહેવું છે કે, પરીક્ષા આપતી વખતે કોઇ વિદ્યાર્થીની તબીયત લથડે તો તેને સારવાર માટે પરીક્ષા કેન્દ્ર પર એમ્બ્યુલન્સની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. સમગ્ર રાજ્યમાંથી 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી પહોંચ્યા છે.

આ અંગે સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, રાજયમાં કોરોના બેકાબૂ બન્યો છેે. યુનિવર્સિટીના અણઘડ નિર્ણયને કારણે કફર્યુ જેવી સ્થિતિમાં કોરોનાના ભય વચ્ચે બહારગામથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે આવવું પડ્યું છે. તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ માત્ર ટેસ્ટીંગ કિટ સમજે છે. 

 કોરોના સંક્રમણ બેકાબૂ છે. મોટા શહેરોમાં રાત્રિ કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ મોટાભાગના એસટી રૂટો બંધ કર્યા છે. ટ્રેનો પણ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિદ્યાનગર આવવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, રાજ્ય સરકારની ગાઈડ લાઈન હેઠળ યુનિ. દ્વારા ઓફ લાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ગાઈડ લાઈન મુજબ પરીક્ષા તો લેવાશે જ . સરકાર જો કોઈ નિર્ણય લેશે તો ફેરફાર કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution