શરિયા કાનૂન પ્રમાણે અફઘાનિસ્તાનની સરકાર ચાલશે, તાલિબાનની જાહેરાત
08, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

તાલિબાને મંગળવારે રાત્રે પોતાની વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાન કેબિનેટમાં ઘણા ચહેરા એવા છે જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી ઘોષિત કરાયા છે. સાથે સાથે તાલિબાને જાહેર કર્યુ છે કે, હવે અફઘાનિસ્તાનમાં શરિયા કાનૂન પ્રમાણે સરકાર ચલાવવામાં આવશે. કોઈએ પોતાના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. અમારો પહેલો પ્રયત્ન એ છે કે, દેશમાં કાયદાનુ શાસન સ્થપાય. છેલ્લા બે દાયકાથી અમે જે સંઘર્ષ કરતા હતા તેની પાછળનો હેતુ એ હતો કે, વિદેશી શક્તિઓને દેશની બહાર કાઢવામાં આવે અને અફગાનિસ્તાનમાં ઈસ્લામિક સિસ્ટમ લાગુ કરવામાં આવે.તાલિબાને કહ્યુ છે કે, અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની અમારી કોશિશ છે. લોકોને અપીલ છે કે, તેઓ અફઘાનિસ્તાન ના છોડે. અમને કોઈથી તકલીફ નથી. અન્ય દેશો પણ અહીંયા પોતાના દૂતાવાસો ફરી શરૂ કરે.તાલિબાને ભરોસો આપ્યો છે કે, દેશમાં જેટલા પણ સ્કોલર્સ, પ્રોફેસરો, ડોકટરો અને બીજા વ્યવસાયીઓ છે તેમનુ ધ્યાન રાખવામાં આવશે અને તેમની સલાહ પણ લેવામાં આવશે. જોકે તાલિબાન અગાઉ પણ આવી જાહેરાતો કરી ચુકયુ છે અને તેનાથી વિરૂધ્ધના કૃત્યો કરી રહ્યુ છે ત્યારે નવેસરથી આપેલા નિવેદન બાદ દેશમાં ખરેખર કઈ રીતનુ શાસન લાગુ કરાય છે તેના પર દુનિયાની નજર રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution