ખંભાતના અખાતમાં વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે
10, ડિસેમ્બર 2020

આણંદ : ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયાં છે. રાજ્ય સરકાર કેન્દ્રીય અર્થ સાયન્સિસ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓસન ટેક્નોલોજી (એનઆઈઓટી)ને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કામ સોંપી દીધું છે. આ રિપોર્ટ આવ્યાં બાદ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં નક્કર કામગીરી શરૂ કરશે. આ સૂચિત મહાકાય પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે ૩૦ કિલોમીટરનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે. આ સમગ્ર યોજના પાછળ રૂ. ૯૨ હજાર કરોડથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજ્યના જળસંપત્તિ ક્ષેત્રના મુખ્યમંત્રીના સલાહકાર બાબુભાઈ નવલાવાલાના જણાવ્યા પ્રમાણે, કલ્પસર યોજનામાં કુલ ૩૩ અભ્યાસ અહેવાલો પૈકી ૨૮ પૂર્ણ થઈ ગયાં છે. બાકીના પાંચ પણ હવે પૂરાં થવાને આરે છે. એટલે એનઆઈઓટીને ડીપીઆર માટે એપ્રોચ કરાયો છે. એની પાસેથી દરખાસ્ત આવ્યા બાદ ડીપીઆરનું કામ તેનાં દ્વારા શરૂ થશે અને એ રિપોર્ટ આવ્યા પછી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાશે. અભ્યાસ રિપોર્ટ્‌સ તૈયાર કરવા પાછળ અત્યાર સુધી આશરે રૂ. ૧૫૦ કરોડ ખર્ચાયા હોવાનું કલ્પસર પ્રભાગ તરફથી જણાવાઈ રહ્યું છે. જાેકે, કેશુભાઈ પટેલ શાસનમાં પ્રોજેક્ટને નામે ખર્ચાયેલા અબજાે રૂપિયા, આમાં ગણતરીમાં લેવાયાં નથી.

આ સૂચિત પ્રોજેક્ટથી સર્જાનારી પર્યાવરણીય અસરો અંગે બી.એન. નવલાવાલાએ કહ્યું હતું કે, ૨૦૦૫ના અરસામાં પર્યાવરણીય અસરો અંગે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયો હતો, પણ એ ૧૫ વર્ષ જૂનો હોઈ અત્યારે એનું કોઈ મહત્ત્વ રહ્યું નથી. હવે જે ડીપીઆર તૈયાર થશે, એમાં એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટની બાબતો આવશે ત્યારે બધી ખબર પડશે. સન ૧૯૯૫થી કાગળ ઉપર ચાલતી આ સ્વપ્નસમી યોજનામાં અભ્યાસો પૂર્ણ થતાં મોટેભાગે ૨૦૨૧-૨૨ના રાજ્ય સરકારના બજેટમાં આ પ્રોજેક્ટ માટે મોટાપાયે નાણાકીય આયોજન થાય તેવી શક્યતા છે.

ગુજરાત સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આ રીતે સમજીયે

ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે ૩૦ કિમીનો ડેમ બનશે. ડેમની ઊંચાઈ મહત્તમ ઊંચાઈ ૫ મીટર રહેશે. જળાશયમાં ૭૭,૭૦૦ લાખ ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધ થશે, જેમાંથી ૫૬,૦૦૦ લાખ ઘનમીટર પાણી સિંચાઈ માટે ખેડૂતોને, ૮,૦૦૦ લાખ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે તથા ૪,૭૦૦ લાખ ઘનમીટર જથ્થો ઉદ્યોગોને આપવાનું આયોજન. સિંચાઈથી ૧૦ લાખ ૫૪ હજાર હેક્ટર જમીન નવસાધ્ય થવાનો અંદાજ. વિવિધ સ્થળોએ પાણી લિફ્ટ કરવા માટે વર્ષે ૭૦૦ મેગાવોટ વીજળીની જરૂર પડશે, જેનાં માટે ૧૩ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution