રાજકોટ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર શહેરમાં શેરડીના રસના ચિચોડા જાેવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા રસના ચિચોડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારમાં ૧૯ વેપારીને ત્યાં ચેકિંગ કરી જેમાંથી ૧૧ વેપારીને લાઇસન્સ મેળવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કોઠારિયા મેઇન રોડથી હરિધવા મેઇન રોડ અને ૮૦ ફૂટ રોડથી કેનાલ રોડ વિસ્તારમાં આવેલ ઠંડા-પીણાં તથા શેરડીના રસનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૧ પેઢીને લાઇસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી તેમજ શેરડીના રસના ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.