આણંદ : ગત તા.૨જી માર્ચે આણંદ પંથકની છ પાલિકામાં ભાજપે જ્વલંત વિજય મેળવી કબજાે કર્યો હતો. આજે આણંદની પાલિકા સહિત જિલ્લાની પાંચ પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખની સાથે મહત્ત્વના હોદ્દાઓ પર વરણીઓ કરવામાં આવી હતી. અલબત્ત, ચરોતરમાં મલાઇદાર ગણાતી આણંદ પાલિકાના પ્રમુખપદે રૂપલબેન પટેલ, ઉપપ્રમુખપદે છાયાબેન ઝાલા તથા કારોબારીના ચેરમેન પદે સચિન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ગત મંગળવારને તા.૨ માર્ચે આણંદ પંથકની છ પાલિકાના ચૂંટણી જંગમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આજે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની અન્ય પદ વરણી હાથ ધરવામાં આવી હતી. મહત્વની મનાતી આણંદ પાલિકામાં પ્રમુખપદે રૂપલબેન પટેલ, ઉપપ્રમુખપદે છાયાબેન ઝાલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેનપદે સચીન પટેલની વરણી કરવામાં આવી હતી. પક્ષના નેતાપદે હેતલબેન તેમજ દંડકપદે દિપેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકામાં પૂર્ણતઃ મહિલા શાસન લાવવાનો તખતો ગોઠવાયો હતો. બેકસીટ ડ્રાઇવિંગ કરવાનો કારસો પણ રચાયો હતો. જાેકે, પ્રદેશ ભાજપે સ્થાનિક ખેલ પર પાણી ફેરવી દીધું હતું. આજે પંથકની અન્ય પાંચ પાલિકાઓમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની વરણી કરવામાં આવી હતી. ઉમરેઠ પાલિકામાં રમીલાબેન પટેલ, ઉપપ્રમુખપદે રમેશભાઇ તળપદા, કારોબારી ચેરમેનપદે ઈશ્વરભાઇ પટેલની વરણી કરાઈ હતી. તેમજ પેટલાદ પાલિકામાં પ્રમુખપદે ગીતાબેન પટેલ, ઉપપ્રમુખપદે ગોવિંદભાઈ તળપદા અને કારોબારી ચેરમેનપદે કેતન ગાંધીની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત બોરસદ પાલિકામાં પ્રમુખપદે આરતીબેન પટેલ, ઉપપ્રમુખપદે રણજીતસિંહ પરમાર તથા કારોબારી ચેરમેનપદે ડો.અપેક્ષાબેન મહીડાની નિમણૂક કરવામાં આવી છે. ખંભાત પાલિકામાં પ્રમુખ તરીકે કામિનીબેન ગાંધી, ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે અશોકભાઈ કા.પટેલની વરણી કરાઈ છે. સોજિત્રા પાલિકામાં પ્રમુખપદે રજનીકાંત પટેલ, ઉપપ્રમુખપદે કલ્પનાબેન મકવાણા અને કારોબારી ચેરમેનપદે જીમીતભાઇ ભટ્ટની નિમણૂક

કરાઈ છે.

લોકસત્તા-જનસત્તાનો અહેવાલ

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખનો બે દિવસ પૂર્વ લોકસત્તા જનસત્તાએ પ્રસિદ્ધ કરેલો અહેવાલ સત્ય સાબિત થયો છે.

આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી

આણંદ ઃ આણંદ પંથકની છ પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ પર વરણી કરવામાં આવ્યા બાદ આવતીકાલે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય વરણી કરવામાં આવશે. સુમાહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદે દહેવાણ બેઠક પરથી જીતેલાં હંસાબેન પરમાર તથા ઉપપ્રમુખપદે સારસા બેઠકથી જીતેલા સંજય પટેલનું નામ ઓલમોસ્ટ નક્કી છે.