દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા ગામે છોકરાઓને ઠપકો આપવાના મામલે પતિ-પત્ની વચ્ચે થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં તથા મોઢાના ભાગે લાકડાના ત્રણ-ચાર ફટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના કોળીના પૂવાળા ગામના ડુંગર ફળિયામાં રહેતી ૩૪ વર્ષીય મીનાબેનના લગ્ન પંદરથી સોળ વર્ષ પહેલા ધાનપુર તાલુકાના ડુમકા ગામના નીચવાસ ફળિયામાં રહેતા વિક્રમભાઈ ઉર્ફે લાલો નગર સિંહ પસાયા સાથે સમાજના રીતરિવાજ મુજબ કયા હતા.

૧૫ વર્ષના લગ્નજીવનમાં મીનાબેનને ચાર સંતાન છે કોઈ કારણસર મીનાબેને પોતાના બાળકોને ઠપકો આપતા મામલો બિચક્યો હતો અને બંને પતિ-પત્ની વચ્ચે બાળકોને ઠપકો આપવાના મામલે ઉગ્ર બોલાચાલી થતા એકદમ ઉશ્કેરાયેલા વિક્રમભાઈ એ ક્રોધાવેશમાં આવી પોતાની પત્ની મીનાબેન ને માથામાં તેમજ મોઢાના ભાગે લાકડાના ત્રણ-ચાર ફટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. આ સંબંધે મૃતક મીનાબેનના પિતા ગોવિંદભાઈ કામગાભાઈ ભાભોરે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આ સંદર્ભે મૃતક મીનાબેનના પતિ વિક્રમભાઈ ઉર્ફે લાલો નગર સિંહ પસાયા વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨ મુજબ ખૂનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.