વડોદરા : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે? જિંદગીના ૬૩ વર્ષ સુધી યોગ્ય કન્યાની લગ્ન માટે રાહ જાેનારા વૃદ્ધને કન્યા મળતાં ઘડિયાં લગ્ન લેવાયાં હતાં. પરંતુ કુદરતને કંઈ અલગ જ મંજૂર હોય એમ લગ્ન કરી ઘરે પહોંચેલા દંપતી પૈકી નવવધૂનું મિંઢળ છોડતાં જ બેભાન થઈ ગઈ હતી અને સારવાર મળે એ પહેલાં જ એનું મોત થયું હતું. આમ લગ્ન માટે ૬૩ વર્ષ સુધી રાહ જાેનાર ડેસર તાલુકાના પીપલછટના વરરાજાનું લગ્નજીવનનો અંત મિનિટોમાં જ આવ્યો હતો જેને લઈ સાવલી-ડેસર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જાેઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી. ૬૩ વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતાં ખુશીથી ઝૂમી ઊઠેલા વરરાજાએ ૫ ગામો જમાડીને લગ્ન કરવા વાજતેગાજતે જાન લઇ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, પરંતુ, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. કન્યા લઇને પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મિંઢળ છોડાવ્યું અને યમરાજ આવી પહોંચ્યા હતા અને નવેલી દુલ્હન લીલાને ચક્કર આવતાંની સાથે ઘરમાં પલંગ પર સૂવડાવીને દવાખાને પહોંચે એ પહેલાં નવેલી દુલ્હનનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું, જેથી બે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપલછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઈ રબારી ઉર્ફે કલાભાઈ (ઉં.વ ૬૩) પશુપાલક છે.

૧૦ જેટલી ગાય અને વાછરડાં રાખીને પોતાનું અને અસ્થિર મગજના નાનાભાઇ રામજીભાઈ અને વિધવા બહેન દેવીબહેનનું ભરણપોષણ કરે છે, તેમની જિંદગીમાં પત્નીનું સુખ પ્રભુ લખવાનું ભૂલી ગયા હોય એમ તેઓ માની રહ્યા હતા. છેલ્લા ૪ દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને પોતે જીદ લઇ બેઠા હતા કે જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરંુ, છેલ્લા કેટલાય સમયથી તેઓ જીવનસાથીની શોધમાં હતા એમ છતાં ક્યાંય મેળ પડતો ન હતો.

જાેકે લોકડાઉન દરમિયાન એવું બન્યું કે નજીકના વરસડા ગામના તેમના સંબંધી રાજુભાઈ રબારીને ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી (ઉં.૪૦) નજરે ચઢ્યા હતા. તેમણે કલ્યાણભાઈ રબારીને કન્યા બાબતે વિગતે વાત કરી, ત્યારે થોડું પણ મોડું કર્યા વગર તાબડતોબ જાેવા માટે ઉપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલાભાઈને ગમી ગયા હતા અને તેમની લગ્નની વાત આગળ વધારી હતી. પરિવારની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઇ હતી. પરંતુ લગ્નના લીલાતોરણ સુકાય એ પહેલાં જ નવવધૂ મોતને ભેટી હતી. જેના કારણે સમગ્ર પંથકમાં ઘેરાશોકની લાગણી છવાઈ ગઈ હતી.