વડોદરા : પોલીસ વિભાગ માટે કલંકરૂપ ઘટના ફતેગંજ પોલીસ મથકમાં કરાયેલી હત્યાના આરોપીઓને આજે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરથી વડોદરા લાવી હતી. ૧૦ દિવસના રિમાન્ડના ત્રીજા દિવસે આરોપી પીઆઈ ડી.બી.ગોહિલ, પીએસઆઈ ડી.એન.રબારી સહિત ચાર એલઆરડી જવાનો કે જે ફતેગંજ પોલીસ મથકમાં અગાઉ રોફભેર ફરજ બજાવતા હતા. એમને આજે એ જ પોલીસ મથકમાં આરોપીઓ તરીકે લવાયા હતા. સીઆઈડીએ ત્રણ આરોપીઓને સાથે રાખી મૃતક શેખ બાબુને લઈને ક્યાં ક્યાં ફર્યા એ વિસ્તારમાં જઈ પંચનામું કર્યું હતું. જાે કે, મૃતદેહ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. 

બે દિવસની પૂછપરછ દરમિયાન આરોપીઓેએ મૃતક શેખ બાબુને ચોરીના શકના આધારે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી અને પોલીસ મથકમાં લવાયા બાદ શેખ બાબુને ટીપી-૧૩ના વિસ્તારો કે જ્યાંથી ચોરીની ફરિયાદો આવી હતી, ત્યાં પણ લઈ ગયા હતા. આ કબૂલાતના આધારે સીઆઈડી આજે છ આરોપીઓને ગાંધીનગરથી વડોદરા લઈ આવી હતી, એ પૈકી જે ત્રણ શેખ બાબુને ટીપી-૧૩માં લઈ ગયા હતા, એ આરોપીઓને એફએસએલના અધિકારીઓ અને વીડિયોગ્રાફર, ફોટોગ્રાફરને સાથે રાખી સ્થળ ઉપર જઈ પંચનામું કર્યું હતું.ગાંધીનગરથી આઠ વાગે ત્રણ જુદી જુદી ગાડીઓમાં સીઆઈડીનો કાફલો આરોપીઓને લઈને નીકળ્યો હતો, જે સાડા દસ વાગ્યે ફતેગંજ પોલીસ મથકે આવી પહોંચ્યો હતો. સૌ પ્રથમ પોલીસ મથકમાં શેખ બાબુને કઈ રૂમમાં રખાયા હતા એ કોમ્પ્યૂટર રૂમનું નિરીક્ષણ આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું. કઈ ખુરશી પર બેસાડી એમની પૂછપરછ કરાઈ હતી અને માર મારવામાં આવ્યો હતો એ શોધી એફએસએલની મદદ મેળવી પંચનામું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઘટનાક્રમ પ્રમાણે આરોપીઓને ટીપી-૧૩ તરફ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અગાઉ સીઆઈડીના એસપી ગિરીશ પંડયાએ બહાર આવી પત્રકારોને માહિતી આપી હતી કે, મૃતક શેખ બાબુને ક્યાંથી લાવ્યા હતા, ક્યાંથી પીછો કર્યો હતો એનું રિ-કન્સ્ટ્રકશન કરાશે એમ જણાવ્યું હતું. અગાઉ વડોદરા પોલીસે પણ ગુનાવાળી જગ્યાનું પંચાનમું કરેલ છે. આજે વધુ એક પંચનામું રિ-કન્સ્ટ્રકશન સાથે થશે અને જરૂર જણાશે તો આગામી દિવસોમાં પણ આવી પંચનામું કરાશે એમ જણાવી મૃતદેહના નિકાલ અંગેનું એ પંચનામું હશે એવો ઈશારો કર્યો હતો. બપોર બાદ સીઆઈડીની ટીમ આરોપીઓને લઈને ગાંધીનગર રવાના થઈ હતી.

પોલીસ મથકમાં પ્રવેશતા આદત મુજબ નમન કરવા ઝુંકયા!

પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ પ્રવેશદ્વારને નીચે નમી પગે લાગવાની ટેવ મોટાભાગના પોલીસ કર્મચારીઓને હોય છે. એ જ પ્રમાણે આજે લવાયેલા આરોપી પોલીસ કર્મચારીઓ પૈકીના ચાર આદત પ્રમાણે ફતેગંજ પોલીસ મથકના પ્રવેશશ્વરને પગે લાગવાનો પ્રયત્ન કરતાં જ સીઆઈડી ક્રાઈમના જવાનોએ એમને નીચે નમતાં અટકાવ્યા હતા, ત્યારે એમને ખ્યાલ આવ્યો હતો કે આજે આરોપી તરીકે એ પોલીસ મથકે આવ્યા છે.

પૂર્વ સહકર્મીને જાેઈ મહિલા એલઆરડી ભાંગી પડી

લાંબા સમયથી ફતેગંજ પોલીસ મથકથી દૂર રહેલા આ છ આરોપીઓ પૈકી ચાર એલઆરડી હતા એમાંથી એકને મહિલા એલઆરડી જાેડે નિકટના સંબંધો બંધાઈ ગયા હતા . આજે એ એલઆરડીને સીઆઈડીના સંકજામાંજાેઈ ભાગી પડેલી મહિલા એલઆરડી પોલીસ મથકમાં જ ઉપરના માળે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી એ જાેઈ સીઆઈડીના અધિકારીઓ, જવાનો પણ ચોંકી ઊઠયા હતા.

પૂર્વ પીઆઈની આંખો ભરાઈ આવી

ફતેગંજ પોલીસ મથકે લવાતા જ આરોપી પીઆઈ ડી.બી.ગોહિલ ગળગળા થઈ ગયા હતા. એક વખતે જે કેબિનમાં બેસી વટભેર આદેશો આપતા હતા એ કેબિન તરફ જાેઈ એમની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. એ વખતે કલ્પના પણ નહીં હોય કે આ જ પોલીસ મથકમાં કાળો બુરખો પહેરીને આરોપી તરીકે હાજર રહેવાનો વખત આવશે અને લાંબી પૂછપરછનો સામનો કરવો પડશે અને જનમટીપની સજાની લટકતી તલવાર ખુદ એક સમયના પીઆઈ ઉપર હશે એની કલ્પના પણ ડી.બી.ગોહિલને નહીં હોય!