મેકકે-

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હારથી શરૂઆત કરી હતી. ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ટીમે એકતરફી રીતે નવ વિકેટે જીત મેળવી હતી. ટોસ હારીને બેટિંગ પસંદ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં માત્ર 225 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમે આ લક્ષ્ય માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. આ જીત સાથે તેઓએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરવા ઉતરેલી રશેલ હેન્સ અને એલિસા હીલીએ પ્રથમ વિકેટ માટે 126 રનની શાનદાર ભાગીદારી કરી હતી. 77 બોલમાં 77 રન બનાવ્યા બાદ હીલી પૂનમ યાદવનો શિકાર બની હતી. પોતાની ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને બે છગ્ગા પણ ફટકાર્યા હતા, ત્યારબાદ કેપ્ટન મેગ લેનિંગે રશેલ સાથે મળીને ટીમને સરળ જીત અપાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને વનડે ફોર્મેટમાં રમવાનો પાઠ પણ શીખવ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે 24 મેચથી ચાલતો વિજય રથ પણ ચાલુ રાખ્યો હતો. ટીમની આ સતત 25 મી જીત છે.

કેપ્ટન મિતાલી રાજ સિવાય ભારત અન્ય કોઈ શાનદાર રમત બતાવી શક્યું ન હતું, જેના કારણે ટીમ માત્ર 225 રન જ બનાવી શકી હતી. મિતાલી રાજે તેની કારકિર્દીની 59 મી અડધી સદી ફટકારી હતી પરંતુ તેને બાકીના ખેલાડીઓનો ટેકો મળ્યો ન હતો. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલી મિતાલીએ 107 બોલમાં 61 રન બનાવ્યા હતા.