ગાંધીનગર તાજેતરમાં જ કેટલાક માલધારીઓ દ્વારા ઢોરપકડ પાર્ટી મહિને લાખો રૂપિયાનો હપ્તો આપતા હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જાેકે આ અંગે તંત્ર દ્વારા કોઈ તપાસ પગલાં તો શું તપાસ પણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી. ત્યારે ઢોરપકડ પાર્ટી અને કેટલાક ઢોરના માલિકો વચ્ચે મિલીભગત ચાલતી હોવાની કથિત ઓડિયો ક્લીપ સામે આવી છે. કથિત ઓડિયોમાં માલધારીઓ વતી વચ્ચે રહેલાં એક ભાઈ અને અધિકારી વચ્ચેની વાતચીત છે.સ્માર્ટસિટી ગાંધીનગરમાં તંત્ર દ્વારા પ્રજાના ભરેલા ટેક્સના પૈસામાંથી ઢોર પકડવા માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. આ માટે કોર્પોરેશન દ્વારા એજન્સીને કામ સોંપ્યું છે અને કામગીરીની દેખરેખ માટે મનપાના અધિકારીઓ નિમાયા છે. ઢોરપકડ પાર્ટી, અધિકારીઓ અને ઢોરના માલિકો વચ્ચે મીલીભગતની અનેક ફરિયાદ અગાઉ પણ ઉઠેલી છે. આ અંગે જે વાતચીત થઈ છે જેમાં સમગ્ર કામગીરી મિલીભગતથી જ ચાલતી હોવાનું થતાં તે માટે દર મહિને ભરણ અપાતું હોવાનું આડકતરી રીતે સંકેત અપાયો છે. ત્યારે હવે આ ઓડિયો ક્લીપ સાચી કે ખોટી તે અંગે તંત્ર દ્વારા તપાસ થાય તે જરૂરી છે. આવી બાબતથી અનેક અટકળો વહેતી થઈ છે.